ભાજપ(BJP) ના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા(J P Nadda) 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે. ચૂંટણી(Gujaratb Election 2022) પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષનો આ પ્રવાસ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણે આ પ્રવાસ દરમ્યાન સૌરાષ્ટ્રને કેન્દ્રમા રાખવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં ભાજપનું શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. જ્યાં એક તરફ સૌરાષ્ટ્રના એપીક સેન્ટર ગણાતા એવા રાજકોટમાં ભાજપ ના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા ભાજપના પંચાયતથી સંસદ સુધી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને સંબોધશે. જેમાં ભાજપના 15000 થી વધુ જનપ્રતિનિધિઓ ભાગ લેશે .આ કાર્યક્રમમાં ભાજપમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તથા સીએમ ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. તો બીજી તરફ મોરબીમાં રોડ શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત માટે એવું કહેવાય છે કે જે રાજકીય પાર્ટી સૌરાષ્ટ્ર માં જીત મેળવે છે એ સરકાર બનાવે છે. જો કે ચૂંટણી સમયે હમેશા સૌરાષ્ટ્ર માં રાજકીય પાર્ટીઓ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી છે. વર્ષ 2017માં ચૂંટણી સમયે પાટીદાર આંદોલન ચરમ સીમા પર હતું. કોંગ્રેસ અને ભાજપ દ્વારા સૌરાષ્ટ્ર ની તમામ બેઠકો પર છેલ્લી ઘડી સુધી પુરજોશ પ્રચાર કરવામાં આવ્યો હતો. જો કે ગુજરાતના રાજકારણના ઇતિહાસ માં આ પહેલી વાર બન્યું હતું જ્યાં ભાજપ કરતા કોંગ્રેસ ને સૌરાષ્ટ્ર માં બેઠકો વધુ મળી હતી.
સૌરાષ્ટ્રની કુલ 45 બેઠકો માંથી કોંગ્રેસ ને 23 બેઠકો જ્યારે ભાજપ ને 21 બેઠક મળી હતી. જ્યારે એક બેઠક NCPના ફાળે ગઈ હતી. જો કે 2017 થી 2022 સુધીમા કોંગ્રેસ 4 બેઠક ગુમાવી દીધી છે. લીમડી, મોરબી, જસદણ તથા માણાવદર માં કોંગ્રેસ ના MLA સમયાંતરે પક્ષ પલટો કર્યો. અને ભાજપ સાથે જોડાયા. બ્રિજેશ મેરઝા કુંવરજી બાવડીયા તથા જવાહર ચાવડા કોંગ્રેસમાંથી ભાજપમા આવ્યા. જ્યારે લીમડી બેઠક પર ભાજપે કિરીટ સિંહ રાણાને પેટાચૂંટણીમાં ઉતાર્યા જેથી વર્તમાન સમયમાં ભાજપની કુલ 24 બેઠક, કોંગ્રેસની 19 બેઠક થઈ.
જો કે વર્તમાન પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રમાં ભાજપ કોંગ્રેસ તથા ‘આપ’ નો ત્રિ-પાખીયો જંગ જામે એવું જોવા મળી રહ્યું છે. એ જ કારણ છે જ ભાજપ સૌથી વધુ ફોકસ હાલ સૌરાષ્ટ્રમાં કરી રહ્યું છે. મોરબીની વાત કરવા આવે તો મોરબી એક સમયે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતું હતું. 1962 થી 1985 સુધી આ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. 1985 થી 2012 સુધી આ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. જોકે 2017 માં આ બેઠક ભાજપ પાસે આંચકી લેવામાં કોંગ્રેસ ને સફળતા મળી, જો કે પેટાચૂંટણીમાં ફરી એક વાર ભાજપે આ બેઠક પર વિજય મેળવી લીધો. પરંતુ કોંગ્રેસમાંથી આવેલા બ્રિજેશ મેરઝાને ભાજપના ઉમેદવાર તરીકે લડાવતા સ્થાનિક વિરોધ મોટા પાયે રહયો. જે હજુ પણ યથાવત છે સાથે મોરબી જિલ્લાની અન્ય બે બેઠકો ટંકારા અને વાંકાનેર આજે પણ કોંગ્રેસ પાસે છે અને એ જ કારણ છે કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા નો ચૂંટણી લક્ષી પ્રથમ રોડ શો આજે મોરબી થી કરવામાં આવી રહયો છે જે ભાજપનું ચૂંટણીલક્ષી પહેલું શક્તિ પ્રદર્શન છે.
સૌરાષ્ટ્રમાં આ વખતે ભાજપ માટે સૌથી મોટો પડકાર આંતરિક વિખવાદથી છુટકારો મેળવવાનો છે. ચૂંટણીના એક વર્ષ પહેલાં જે રીતે સરકારમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા છે તેને લઈ જુના જોગીઓમાં નારાજગી સ્વાભાવિક છે. સાથે જ જ કોર્પોરેશનની ચૂંટણીમાં જે રીતે વયમર્યાદા અને અને ટર્મ ના નિયમો લાવવામાં આવ્યા હતા ત્યારે વિધાન સભામાં પણ ભાજપ આ રીતે કોઈ મેન્ડેડ જાહેર કરે તો અનેક સિનિયર નેતાઓની ટીકીટ કપાઈ શકે એમ છે. આવા મુદ્દાઓને લઈને પણ એક પ્રકારની અસમંજસતા જોવા મળે છે.
જો કે હજુ સત્તાવાર રીતે ભાજપ દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં નથી આવી એટલે ટિકિટ વાંચ્છુકો પણ વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ સૌરાષ્ટ્ર માં પોતાની જમીન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે કારણ કે કોંગ્રેસ ધારાસભ્યો પણ ગુમાવી રહી છે અને પ્રજામાં વિશ્વાસને લઈને પણ સવાલોનાં ઘેરામાં છે ત્યારે આપ પાર્ટી કોંગ્રેસમાંથી જેમ છુટા પડેલાને પોતાનામાં સમાવતી જાય છે તેમજ કોંગ્રેસને અને ભાજપને વોટ નહી આપીને આપ પાર્ટીમાં વોટ અપાવવા માટે જરૂર મહેનત કરશે.
કોંગ્રેસ મતોના ધૃવિકરણને અટકાવવા કટિબદ્ધ છે, આપ પાર્ટી કોંગ્રેસની તૈયાર મતબેંક અને ભાજપના એન્ટીઈન્કમબન્સીને પોતાના પલડામાં નાખવા દાવપેચ રમી રહ્યુ છે ત્યારે ભાજપે 2017માં લીધેલી શિખામણનાં આધારે સવેળા જ ‘ઓપરેશન સૌરાષ્ટ્ર’ શરૂ કરી ચુક્યુ છે. શક્તિપ્રદર્શનથી સત્તાના કેન્દ્રમાં સૌરાષ્ટ્રને લાવીને ભાજપના રાષ્ટ્રીયનાં પ્રમુખ જે પી નડ્ડાએ શંખનાદ કરી દીધો છે કે સૌરાષ્ટ્રનાં કિલ્લે વિજયનો ધ્વજ તો કેસરિયો જ લહેરાશે. હા, જનતા તો છેલ્લે સર્વોપરી છે જ અને એના આશિર્વાદ એ પવન જેવા છે કે ધ્વજ ફરકતો પણ રાખે છે કે શિથિલ પણ કરી નાખે છે..
Published On - 1:06 pm, Tue, 20 September 22