ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: સૌરાષ્ટ્રનો ગઢ સર કરવા કેન્દ્રીય ગૃહપ્રધાન ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યાં છે, ત્યારે આજે અમિત શાહ અમરેલીના જાફરાબાદમાં GHCL ગ્રાઉન્ડ ખાતે જંગી સભા સંબોધશે. અમિત શાહ 5 વિધાનસભા બેઠકના મતદારોને ભાજપ તરફી કરવાનો પ્રયાસ કરશે. આ સભામાં રાજુલા, જાફરાબાદ, ખાંભા, પીપાવાવના લોકો ઉપસ્થિત રહેશે. આ સિવાય ભાવનગર જિલ્લામાં તળાજા અને મહુવામાં બે સભાઓ સંબોધશે. તો વડોદરા અને અમદાવાદના AMC પાર્કિંગ પ્લોટમાં પણ તેઓ સભા ગજવશે.
તો બીજી તરફ અમિત શાહની મુલાકાતને લઇ તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. મોટી સંખ્યામાં લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ પોલીસ બંદોબસ્ત પણ સઘન બનાવાયો છે. મહત્વનું છે કે 2017માં અમરેલીની પાંચ બેઠકો પર ભાજપને ફટકો પડ્યો હતો. અનામત આંદોલનને કારણે પાંચેય બેઠકો કોંગ્રેસે કબજે કરી હતી, ત્યારે આ વખતે અમરેલી જિલ્લામાં મતદારોને રીઝવવા ભાજપે કેન્દ્રીય નેતાઓની ફોજ મોકલી છે. આપને જણાવી દઈએ કે, આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજ નેતાઓ અહીં પ્રચાર કરી ચૂક્યા છે.
Published On - 7:26 am, Sat, 26 November 22