ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Eection 2022) લઇને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા (BJP President J. P. Nadda) પણ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. જે.પી.નડ્ડા પોતાની મુલાકાતમાં ખેડૂતો અને સૌરાષ્ટ્ર (saurashtra) પર ખાસ ફોકસ કરી રહ્યા છે. ત્યારે આજે ગાંધીનગરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ ‘નમો ખેડૂત પંચાયત’નો પ્રારંભ કરાવ્યો છે. ગાંધીનગરના નભોઈ ખાતે ભાજપ કિસાન મોરચા આયોજીત નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં જે.પી.નડ્ડાએ હાજર રહીને સંબોધન પણ કર્યુ. આ દરમિયાન તેમણે નિવેદન આપ્યુ છે કે, ઘણા લોકોએ ખેડૂતોને લઇને માત્ર રાજકારણ કર્યુ છે. જ્યારે વડાપ્રધાન મોદીએ ખેડૂતો માટે કામ કર્યુ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે રાજ્યભરમાં ઝંઝાવાતી પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ગાંધીનગરના નભોઇ ખાતેથી નમો ખેડૂત પંચાયતનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે સી.આર. પાટીલ સહિત ભાજપના ટોચના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. જે.પી. નડ્ડાએ તેમના સંબોધનમાં ભાજપે ખેડૂતો માટે કરેલા વિકાસ કાર્યોની ગાથા વર્ણવી. સાથે જ વિરોધ પક્ષો પર પણ નિશાન સાધ્યું. જે.પી. નડ્ડાએ જણાવ્યું કે અત્યાર સુધી તમામ લોકોએ અને નેતાઓએ ખેડૂત કલ્યાણની ફક્ત વાતો જ કરી છે. પરંતુ ભાજપ જ એકમાત્ર એવી પાર્ટી છે કે જેમણે ખેડૂતોના કલ્યાણ માટે ખરા અર્થમાં નક્કર કામગીરી કરી છે. ગુજરાતમાં 15 લાખ ખેડૂતોને વગર વ્યાજે લોન આપવામાં આવી છે. ગુજરાતના ખેડૂતો પાછળ 400 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જે.પી. નડ્ડાએ નામ લીધા વગર વિપક્ષો પર પ્રહાર કરતા જણાવ્યું કે અન્ય પાર્ટીઓ ખેડૂતોના નામે ફક્ત રાજનીતિ કરે છે, ખોટા લાંછન અને આરોપો લગાવે છે.
નમો કિસાન પંચાયત માટે ઇ-બાઇક બનાવાયા
નમો કિસાન પંચાયત માટે ખાસ ઈ-બાઈક પણ તૈયાર કરવામાં આવ્યુ છે. આ ઈ-બાઈકની અંદર 32 ઈંચની LED રાખવામાં આવી છે. આ LED સ્ક્રીનમાં સરકારની વિકાસની વાતોનો એક વીડિયો છે. આ વીડિયો સતત વાગશે અને ભાજપ સરકારની વિકાસલક્ષી કામગીરી જણાવશે. નમો કિસાન પંચાયત માટે કિસાન મોરચના કાર્યકર્તાઓ રાજ્યના 14 હજાર ગામડાઓમાં જશે અને ભાજપ સરકારે ખેડૂતો માટે કરેલી કામગીરીથી ખેડૂતો તેમજ લોકોને માહિતગાર કરશે. ભાજપે ખેડૂતોના કલ્યાણ માટે જે કામ કર્યા છે તેની કામગીરીનો ચિત્તાર 14 હજારથી વધુ ગામડાઓમાં ખેડૂતો સમક્ષ મુકવામાં આવશે.