દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Election) યોજાઈ રહી છે. સોમવારે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગોવામાં મતદાન થયું હતું. ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું. ઉત્તરાખંડ (Uttarakhand) અને ગોવાની (Goa) તમામ બેઠકો માટે મતદાન થયું હતું. ત્રણેય રાજ્યોમાં સાંજે 5 વાગ્યા સુધી નોંધાયેલા મતદાનની ટકાવારી મુજબ ગોવા વિધાનસભા ચૂંટણી માટે બમ્પર મતદાન થયું છે. અહીં સાંજે 5 વાગ્યા સુધી 75 ટકા મતદાન નોંધાયું હતું. તે જ સમયે, ઉત્તર પ્રદેશમાં સાંજે 5 વાગ્યા સુધી 60.44 ટકા અને ઉત્તરાખંડમાં 59.37 ટકા મતદાન થયું હતું. સોમવારના મતદાનમાં, ત્રણ રાજ્યોની કુલ 165 વિધાનસભા બેઠકો પર 1519 ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું.
ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કાના મતદાન હેઠળ 9 જિલ્લાઓની 55 બેઠકો માટે મતદાન થયું હતું જેમાં 2.2 કરોડ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઉત્તરાખંડ વિધાનસભાની તમામ 70 બેઠકો માટે સોમવારે સવારે 8 વાગ્યે મતદાન શરૂ થયું, જ્યાં રાજ્યના 82 લાખથી વધુ મતદારોએ 632 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ કર્યું. આ સિવાય સોમવારે ગોવાની તમામ 40 બેઠકો માટે મતદાન થયું હતું. આ બેઠકો માટે 301 ઉમેદવારો મેદાનમાં છે.
ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં જેમનું રાજકીય ભાવિ નક્કી થવાનું છે તેમાં મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી, તેમના કેબિનેટ સાથીદારો સતપાલ મહારાજ, સુબોધ ઉનિયાલ, અરવિંદ પાંડે, ધન સિંહ રાવત અને રેખા આર્ય ઉપરાંત ભાજપના ઉત્તરાખંડ એકમના પ્રમુખ મદન કૌશિકનો સમાવેશ થાય છે.
કોંગ્રેસના અગ્રણી ઉમેદવારોમાં પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત, પૂર્વ મંત્રી યશપાલ આર્ય, કોંગ્રેસના ઉત્તરાખંડ એકમના પ્રમુખ ગણેશ ગોડિયાલ અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પ્રીતમ સિંહનો સમાવેશ થાય છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 57 બેઠકો, કોંગ્રેસે 11, જ્યારે અપક્ષ ઉમેદવારોએ બે બેઠકો જીતી હતી.
ગોવાના અગ્રણી ઉમેદવારોમાં મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત (ભાજપ), વિપક્ષના નેતા દિગંબર કામત (કોંગ્રેસ), ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ચર્ચિલ અલેમાઓ (ટીએમસી), રવિ નાઈક (ભાજપ), લક્ષ્મીકાંત પારસેકર (અપક્ષ), ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન વિજય સરદેસાઈ, સુદિન ધાવલીકર (MGP), ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકર અને AAPના મુખ્ય પ્રધાનપદનો ચહેરો અમિત પાલેકરનો સમાવેશ થાય છે.
શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ ચૂંટણી પૂર્વે ગઠબંધનની જાહેરાત કરી હતી, જ્યારે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP) પોતાના દમ પર ચૂંટણી લડી રહી છે.
આ તબક્કામાં મેદાનમાં રહેલા અગ્રણી ચહેરાઓમાં ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી ધરમ સિંહ સૈનીનો સમાવેશ થાય છે, જેઓ ભાજપ છોડીને સપામાં જોડાયા હતા. આઝમ ખાનને તેમના ગઢ રામપુર બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જ્યારે સૈની નકુડ વિધાનસભા મતવિસ્તારથી નસીબ અજમાવી રહ્યા છે. ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમને સ્વાર બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 10 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. મતગણતરી 10 માર્ચે થશે.
આ પણ વાંચો : Assam: ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ, જાણો સમગ્ર મામલો
આ પણ વાંચો : Punjab Election: પંજાબમાં NDAની સરકાર બનશે એ નિશ્ચિત છે, વિકાસનો એક નવો અધ્યાય શરૂ થશે- વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Published On - 8:53 pm, Mon, 14 February 22