Surat : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના(VNSGU) બેચલર ઓફ કોમર્સના 6th સેમેસ્ટરના એક વિદ્યાર્થીએ (Student) એડવાન્સ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ વિષયની બે પરીક્ષામાં (EXAM) પાસ થવા માટે ઉત્તરવહીના પાના વાળીને રૂ. 200-200ની નોટને સ્ટેપલર કરીને લખ્યું હતું કે મને આવડતું નથી.
ઘટના એવી હતી કે વર્ષ 2020ના નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં બેચલર ઓફ કોમર્સની 6th સેમેસ્ટરની પરીક્ષા પેન અને પેપર મોડથી યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી હતી.
જેમાં એક વિદ્યાર્થીએ એડવાન્સ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ 2 વિષયના બે પેપરની બન્ને ઉત્તરવહીના પેજ નંબર 9 અને 10 વાળ્યા હતા અને તેમાં રૂ.200- 200ની નોટ સ્ટેપલર કરી મૂકી હતી.
જે પછીના પેજ નંબર 11 પર લખ્યું હતું કે “મને વધારે આવડતું નથી, please open page, thank you’. તેવામાં જ આ બે ઉત્તરવહી યુનિવર્સિટીમાં ચેકિંગ માટે આવી હતી.
તે પછી ઉત્તરવહી ચેક કરનારા પ્રોફેસરને આ બાબત જણાતા જ તેણે સમગ્ર બાબતનો રિપોર્ટ કરી યુનિવર્સિટીને મોકલી આપ્યો હતો. જેથી યુનિવર્સિટીએ તે વિદ્યાર્થીને બોલાવ્યો હતો. નોંધનીય છે કે એડવાન્સ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ બે વિષયની પરીક્ષામાં 54 વિદ્યાર્થીઓ માઇક્રો ઝેરોક્ષ અને કાપલી સાથે પકડાયા છે.
પાસ થવા માટે આવું કર્યું હતુંઃ વિદ્યાર્થી
યુનિવર્સિટીએ વિદ્યાર્થીને બોલાવી આ માટે પુછપરછ કરી હતી. જેથી વિદ્યાર્થીએ યુનિવર્સિટીને એવું જણાવ્યું હતું કે, એડવાન્સ એકાઉન્ટિંગમાં પાસ થાઉં તો ઓડિટિંગમાં ફેલ થઈ જતો હતો અને ઓડિટિંગમાં પાસ થાઉં તો એડવાન્સ એકાઉન્ટિંગમાં ફેલ થઈ જતો હતો. જેથી તેણે પાસ થવા માટે આવું કર્યું હતું, બીજી વાર આવી ભૂલ નહીં થાય તેની ખાતરી આપી હતી. આ આખી વાત ફેક્ટ ના સૂત્રોથી સામે આવી છે.
0 માર્ક્સ સાથે 500 રૂપિયાની પેનલ્ટી કરી
યુનિવર્સિટીએ વિદ્યાર્થીની વાત સાંભળી હતી અને તે બાદ રુલ્સ મુજબ વિદ્યાર્થીને એડવાન્સ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ બન્ને વિષયમાં ઝીરો માર્ક્સ આપ્યા હતા. તે સાથે 500 રૂપિયાની પેનલ્ટી પણ કરી હતી અને બે ઉત્તરવહીમાં મુકેલી રૂ. 200-200ની બે નોટ પરત કરી હતી.
મોક ટેસ્ટ ઘરેથી આપી શકાશે, ચોરીના કેસ વધે તો ઓનલાઇન પરીક્ષા કોલેજ પર આપવી પડશે
યુનિવર્સિટીની અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની જુદા જુદા કોર્સની મોક ટેસ્ટ તારીખ 12 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. પણ મોક ટેસ્ટ પહેલા કોલેજ કે ડિપાર્ટમેન્ટ પરથી આપવાની હતી. પણ હવે કોરોનાની સ્થિતિને જોતા યુનિવર્સિટી દ્વારા મોક ટેસ્ટ ઘરેથી આપી શકાય એવી સુવિધા ઊભી કરવામાં આવી છે. યુનિવર્સિટીએ કડક ભાષામાં વિદ્યાર્થીઓને સૂચના આપી છે કે મોક ટેસ્ટમાં જો વિદ્યાર્થીઓના ગેરરીતિના કેસો વધારે આવશે તો તારીખ 27 જાન્યુઆરીથી શરૂ થતી ઓનલાઇન પરીક્ષા કોલેજ અથવા ડિપાર્ટમેન્ટ પર જઇ આપવાની રહેશે.
આ પણ વાંચો : પોરબંદર : ભારતીય કોસ્ટગાર્ડે પાકિસ્તાની બોટ સાથે 10 લોકોને ઝડપી લીધા
આ પણ વાંચો : સુરત : કેમિકલ ગેસ લિકેજ કેસમાં GIDCના PI અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ, 14 પોલીસ કર્મીઓની બદલી