કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું છે કે એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (AIF-Agriculture Infrastructure Fund)સ્કીમમાંથી અત્યાર સુધીમાં લગભગ 13 હજાર પ્રોજેક્ટ્સ માટે લગભગ 9500 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી છે. જેનો ખેડૂતો(Farmers)ને ઘણો ફાયદો થશે. આ એક લાખ કરોડ રૂપિયાની યોજના છે. જેમાં કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસ જેવી કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું કામ કરવામાં આવે છે. તોમરે કહ્યું કે દેશમાં 6,865 કરોડ રૂપિયાના ખર્ચ સાથે 10,000 ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO)ની સ્થાપના કરવાનું કામ શરૂ થયું છે.
લગભગ 85 ટકા નાના ખેડૂતો છે, જેઓ જો FPO દ્વારા એકઠા થશે તો તેમનો ખેતીનો વિસ્તાર અને ઉત્પાદનનું પ્રમાણ વધશે. તેઓને સારું બિયારણ-ખાતર અને સરળ લોન પણ મળશે, જેનાથી આવકમાં વધારો થશે અને અદ્યતન ખેતી તરફ દોરી જશે. તોમર બુધવારે ઈન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઈન્ટરનેશનલ ઈકોનોમિક રિલેશન્સ (ICRIER)અને નેશનલ સ્ટોક એક્સચેન્જની સંયુક્ત કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા. જ્યાં સુધી એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સ્કીમની વાત છે તો વાર્ષિક 3% વ્યાજ સબવેન્શન અને 2 કરોડ રૂપિયા સુધીની ક્રેડિટ ગેરંટી ઓફર કરે છે. એટલું જ નહીં, આ વ્યાજ સબવેન્શન 2 કરોડ રૂપિયાની લોન લિમિટ પર 7 વર્ષ માટે ઉપલબ્ધ છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકારે જગ્યાએ જગ્યાએ કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ (મશીન બેંક)ની વ્યવસ્થા કરી છે અને ખેડૂતોને કૃષિ સાધનો માટે સબસિડી પણ આપવામાં આવી રહી છે. અગાઉ કૃષિ ક્ષેત્રે ખાનગી રોકાણના દરવાજા બંધ હતા પરંતુ હવે ગામડાઓમાં વેરહાઉસ, કોલ્ડ સ્ટોર, પેકેજીંગ મશીન વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. જેના માટે કેન્દ્રએ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુના વિશેષ પેકેજની જોગવાઈ કરી છે.
તોમરે કહ્યું કે ખેડૂતોની મહેનત, કૃષિ વૈજ્ઞાનિકોની શોધ અને સરકારની નીતિઓને કારણે આજે ભારત સૌથી વધુ કૃષિ ઉત્પાદનોના સંદર્ભમાં વિશ્વમાં પ્રથમ કે બીજા ક્રમે છે. આપણા ઓર્ગેનિક ઉત્પાદનો સમગ્ર વિશ્વમાં પસંદ કરવામાં આવી રહ્યા છે. કોરોના રોગચાળા જેવા પ્રતિકૂળ સંજોગો છતાં ભારતમાંથી આશરે પોણા 4 લાખ કરોડની કૃષિ નિકાસ સારી નિશાની છે. આવી સ્થિતિમાં આપણા કૃષિ ઉત્પાદનોની ગુણવત્તા એવી હોવી જોઈએ કે જે વૈશ્વિક માપદંડોને પૂર્ણ કરે.
કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે ભારત અલગ અલગ આબોહવા ધરાવતો દેશ છે. અહીં વિવિધ પાકોની ખેતી માટે ખૂબ જ સાનુકૂળ હવામાન રહેવાની શક્યતા છે. આપણું કૃષિ ક્ષેત્ર ખૂબ જ મજબૂત છે જે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ તાકતથી ઉભું રહ્યું છે. તાજેતરમાં, કોવિડ કટોકટી દરમિયાન, જ્યારે આખું વિશ્વ સ્થગિત થઈ ગયું હતું, ત્યારે પણ વાવણી, લણણી અને સરકારી ખરીદી વગેરે લોકડાઉનમાં પણ સારી રીતે થઈ હતી.
તોમરે કહ્યું કે ભારતીય કૃષિ ક્ષેત્ર વિશાળ છે અને આપણી મોટી વસ્તી કૃષિ પર નિર્ભર છે, તેથી તેની પ્રગતિ માટે સરકાર દ્વારા જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે. નિષ્ણાતો પણ તેમના સૂચનો દ્વારા સરકારને સમર્થન આપતા રહે છે, જેનાથી કૃષિ ક્ષેત્રને ફાયદો થઈ રહ્યો છે. દેશની એક હજાર મંડીઓને નેશનલ એગ્રીકલ્ચરલ માર્કેટ (E-NAM) સાથે જોડવામાં આવી છે અને બાકીની મંડીઓને જોડવાની પ્રક્રિયા ચાલી રહી છે. કેન્દ્ર સરકાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે ખેડૂતોને તેમની પેદાશોના વાજબી ભાવ મળે અને કૃષિમાં ટેકનોલોજીનો ઉપયોગ થાય. તેમણે ખેડૂતોને જૈવિક અને કુદરતી ખેતી તરફ આગળ વધવા હાકલ કરી હતી.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકારે ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક નીતિ જાહેર કરી છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયે પણ આ અંગે SOP જાહેર કરી છે. આ અંતર્ગત ડ્રોનનો ઉપયોગ વધવાથી માત્ર ખેતીમાં જ ફાયદો નહીં થાય, ખેડૂતો સહિત ખેતી સાથે સંકળાયેલા લોકોના શરીર પર થતી કેમિકલની આડઅસરથી બચી શકાશે. રોજગારીની નવી તકો પણ ઉભી થશે. તોમરે કહ્યું કે ખેડૂતોના લાભ માટે સરકારની ઘણી યોજનાઓ છે, જેના દ્વારા બેંકોના પૈસા ખેડૂતો સુધી ઓછા વ્યાજે સરળતાથી પહોંચી રહ્યા છે.