સામાન્ય રીતે આપણે લીલા ભીંડાનો ખાવામાં ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ લાલ ભીંડો (Red Lady Finger) પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અને પૌષ્ટિક છે. ‘કુમકુમ ભીંડી’ તરીકે ઓળખાતો આ ભીંડો ઉત્તર પ્રદેશમાં ઉગાડવામાં આવતો પાક છે જે ખેડૂતોની આવક બમણી કરી શકે છે.
આ નવીનતમ જાત ઉત્તર પ્રદેશમાં સ્થિત ભારતીય શાકભાજી સંશોધન સંસ્થા (Indian Institute of Vegetable Research) ના વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવી છે. આ ભીંડાની સૌથી ખાસ વાત એ છે કે તે લીલા રંગની જગ્યાએ લાલ રંગનો છે અને તેથી જ તેને ‘કાશી લાલીમા’ (Kashi Lalima) નામ આપવામાં આવ્યું છે.
કૃષિ નિષ્ણાતોના મતે, ‘કુમકુમ ભીંડા’માં 94 ટકા પોલીઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. આ સાથે તેમાં રહેલું 66 ટકા સોડિયમ તત્વ હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે, જ્યારે તેનું 21 ટકા આયર્ન એનિમિયાની શક્યતા ઘટાડે છે અને 5 ટકા પ્રોટીન શરીરની મેટાબોલિક સિસ્ટમને યોગ્ય રાખે છે.
સુગર પણ કંટ્રોલ કરે છે
હાપુડના અનવરપુરના રહેવાસી ઉમેશ સૈની અને સીતાપુરના રામપુરબેહના મુરલી લાલ ભીંડાની ખેતીથી ખુશ છે. સૈનીએ કહ્યું, ગામના દરેક લોકો હવે આ સિઝનમાં ભીંડાના વાવેતરનો વિસ્તાર વધારવાનું વિચારી રહ્યા છે. આચાર્ય નરેન્દ્ર દેવ યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેક્નોલોજી, કુમારગંજ, અયોધ્યાના વાઇસ ચાન્સેલર બિજેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, ભીંડાની આ લાલ જાતમાં એન્થોકયાનિન અને ફિનોલિક્સ હોય છે જે તેના પોષણ મૂલ્યને વધારે છે. તેમાં રહેલા ક્રૂડ ફાઈબર શુગરને કંટ્રોલ કરે છે. તેમાં વિટામિન બી કોમ્પ્લેક્સ પણ મોટી માત્રામાં હોય છે.
ફેબ્રુઆરીથી એપ્રિલ સુધી થાય છે વાવણી
કુમકુમ ભીંડાની વાવણી માટેનો આદર્શ સમય ફેબ્રુઆરીથી એપ્રિલના બીજા સપ્તાહનો છે. તે નવેમ્બરની આસપાસ વાવી શકાય છે, ડિસેમ્બર-જાન્યુઆરીમાં વૃદ્ધિ ઓછી થશે, પરંતુ ફેબ્રુઆરીથી ફળ આવવાનું શરૂ થશે, જે નવેમ્બર સુધી મળશે. વહેલો પાક લેવાથી ભાવ પણ સારા મળે છે. જથ્થાબંધ બજારમાં ગ્રીન ભીંડાની કિંમત 12 થી 15 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે રેડ ભીંડો 45 થી 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે કારણ કે લોકો તેને સુપરફૂડ તરીકે જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: ખેડૂતોની આવક બમણી કરી રહ્યું છે સંકલિત ખેતી મોડલ, ICAR એ તૈયાર કર્યા 31 પ્રોજેક્ટ