કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે જણાવ્યું કે, દેશના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક ખેતીને પુનઃ જીવિત કરવાનું મોટું અભિયાન ઉપાડ્યું છે. તેમણે જણાવ્યું કે, દેશના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે સહકારીતા વિભાગ દ્વારા ખેડૂતોને તેમની ખેત પેદાશોના યોગ્ય ભાવ અને વૈશ્વિક બજાર મળે તેમજ બ્રાન્ડ સ્થાપિત થાય તે દિશામાં કાર્ય થઈ રહ્યું છે.
તેમણે ઉમેર્યું કે, પ્રાકૃતિક ખેતી અપનાવનાર ખેડૂતોની જમીન ચકાસણી સહિત ખેત ઉપજમાં રાસાયણિક ખાતરના ઉપયોગની ચકાસણી માટે એક વર્ષમાં બે રાજ્યોમાં લેબોરેટરીની સ્થાપના કરવામાં આવશે. પ્રાકૃતિક ખેત ઉત્પાદનો કરતા ખેડૂતોને યોગ્ય બજાર મળી રહે તે માટે અમૂલ સહિત વિવિધ સંગઠનોના સહયોગથી માર્કેટિંગ ચેઈન ઉભી કરવામાં આવી રહી છે.
વર્ષ ૨૦૧૪ થી દેશની અર્થવ્યવસ્થામાં ખેડૂતોને કેન્દ્રબિંદુમાં રાખવામાં આવ્યા છે, તેનો સવિશેષ ઉલ્લેખ કરતા કેન્દ્રિય મંત્રી અમિત શાહે જણાવ્યું કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રાસાયણિક ખાતર મુક્ત કૃષિ ઉપજ પેદા કરી વિશ્વને દિશા દર્શન કરાવશે.તેમણે કહ્યું કે, સહકારિતા વિભાગના માધ્યમથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરવા નાણાકીય સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ પૂરો પાડવામાં આવશે.
એક દેશી ગાયથી ૨૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ શકે છે એમ જણાવતાં શાહે ઉમેર્યું કે, દેશી ગાયના ગોબરમાંથી બનેલું જીવામૃત જમીનને ફળદ્રુપ બનાવે છે. એટલુ જ નહી કૃષિ ઉત્પાદનમાં વધારા સાથે જળ સંચય અને ખેતી ખર્ચ ઘટે છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે ગુજરાતમાં કૃષિ મહોત્સવના માધ્યમથી કૃષિલક્ષી વિસ્તરણ સેવાઓ ખેડૂતોના ખેતરો સુધી પહોંચાડી માઈક્રો સિંચાઇનો વ્યાપ વધાર્યો હતો, જેને પરિણામે ગુજરાતનો કૃષિ વિકાસ દર સતત દસ વર્ષ સુધી ૧૦ ટકા રહ્યો હતો.
પ્રાકૃતિક કૃષિ આત્મનિર્ભર ખેડૂતોથી આત્મનિર્ભર ભારતના નિર્માણનું જન અભિયાન : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એગ્રિ પ્રિ-વાઇબ્રન્ટ સમીટ-૨૦૨૧ના સમાપન સમારોહમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ આત્મનિર્ભર ખેડૂતોથી આત્મનિર્ભર ભારતના નિર્માણનું જનઅભિયાન છે. રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિને રાસાયણ કૃષિના મજબૂત વિકલ્પ તરીકે ગણાવી ઉમેર્યું હતું કે, રાસાયણિક કૃષિ એ સ્વતંત્રતા સમયે હરિત ક્રાંતિ માટે સમયની માગ હતી. પરંતુ હવે રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી વિશ્વ આખું ત્રસ્ત છે, ત્યારે પ્રાકૃતિક કૃષિ આ દુષ્પરિણામથી મુક્તિ માટે મજબૂત વિકલ્પ છે. પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે. જમીનની ફળદ્રુપતા વધે છે, દેશી ગાયનું જતન સંવર્ધન થાય છે, કૃષિ ખર્ચ ઘટતા અને પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોના ભાવ પ્રમાણમાં વધારે મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. ગામના પૈસા ગામમાં રહે છે, શહેરના પૈસા પણ ગામમાં આવે છે.
રાજ્યપાલે જણાવ્યું હતું કે, એક દેશી ગાયના છાણ અને ગૌમૂત્રથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ કરી શકાય છે. જેમાં ઉપયોગી દેશી ગાયના છાણ-ગૌમૂત્ર સાથે બેસન-ગોળ અને માટીના મિશ્રણથી બનતા જીવામૃત અને ઘનજીવામૃતને અસરકારક કલ્ચર ગણાવતા રાજ્યપાલે જમીનમાં ભેજનું પ્રમાણ જાળવવાથી લઈને આચ્છાદનના મહત્વને સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોને કારણે ખેતરમાં મિત્ર જીવોનો ક્ષય થાય છે જ્યારે જીવામૃત-ઘનજિવામૃત અને આચ્છાદનથી અળસિયા જેવા મિત્ર જીવોની વૃદ્ધિ થાય છે જે કૃષિ પાકને પોષણ આપે છે. વાતાવરણમાં નાઇટ્રોજનને જમીનમાં સ્થાપિત કરે છે આ તકેરાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે વૈજ્ઞાનિકોને જુદા જુદા સંશોધનો દ્વારા આગળ આવવા અનુરોધ પણ કર્યો હતો.
રાજ્યપાલે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ સાથે બે લાખ ખેડૂતો જોડાયા હોવાનું અને ડાંગ જિલ્લાને પ્રથમ પ્રાકૃતિક કૃષિ જિલ્લો જાહેર કરવાનું શ્રેય ગુજરાતને મળ્યું છે ત્યારે પરિશ્રમની પરાકાષ્ઠા સાથે દેશભરમાં પ્રાકૃતિક કૃષિને જનઆંદોલનમાં પરિવર્તિત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા સૌને અનુરોધ કર્યો હતો.
Published On - 6:40 pm, Thu, 16 December 21