ગીર સોમનાથના તાલાલા પંથકની જીવાદોરી સમાન કેસર કેરીનો (Mango) પાક પર આ વર્ષે જુજ બેંકોના(Bank) ધિરાણો ચૂકવી ન શકાય તેવી સ્થીતી ઉભી થઇ છે. જેથી કેસર કેરીના કરજ મામલે ખેડૂતો (Farmers) ચિંતાતૂર બન્યા છે, મોટાભાગના કેસર કેરીના બગીચામાં આંબા પર મોર બળી ગયો છે. ગત વર્ષે તાઉ-તે વાવાઝોડું, આ વર્ષે માવઠું અને વારંવાર વાતાવરણનાં બદલાવે કેરીના પાકનો સફાયો કરી નાખ્યો છે. વાવાઝોડાને લીધે આંબાના ઝાડનાં મૂળિયાં નબળા પડી જતા કેરીનો પાક નિષ્ફળ થયો છે. બાગાયતી કિસાનોને આપેલ રૂ.125 કરોડનું ચાલુ ધિરાણ માફ કરવા ખેડૂતોમાં માંગ ઉઠી છે. બીજી તરફ તાલાલા મેંગો માર્કેટિંગ યાર્ડ શરૂ થવાની શક્યતા નહીવત છે. કેરીનો પાક તાલાલા પંથકની જીવાદોરી સમાન હોય કેસર કેરીના પાકને પાક વિમામાં સમાવેશ કરવા હવે વિલંબ કરવામાં આવશે તો ખેડૂતો આંબા કાપવા લાગશે અને તાલાલા પંથકના આંબાના બગીચા ભુતકાળ બની જશે તેવી ભિતી વ્યક્ત થઈ રહી છે.
તાલાલા પંથકમાં ગત વર્ષે આવેલ તાઉ તે વાવાઝોડાને કારણે કિસાનોને મોઢે આવેલ કોળીયો કુદરતે ઝુંટવી લીધા બાદ આ વર્ષે માવઠું અને ત્યારબાદ વાતાવરણમાં આવેલ અવિરત બદલાવને કારણે કેસર કેરીનો પાક અનુકૂળ આબોહવાના અભાવના કારણે મોટાભાગનો નિષ્ફળ ગયો છે. તાલાલા પંથકમાં કોઈ પણ ગામના કેસર કેરીના બગીચામાં નજર કરો તો બગીચામાં આંબા ઉપર બળી ગયેલ મોર નજરે પડે છે. સતત બે વર્ષથી કેસર કેરીના પાકની અકલ્પનીય નુક્સાનીથી પડી ભાંગેલ કિસાનોને બેઠા કરવા કેરીના નિષ્ફળ પાકનું વિના વિલંબે સર્વે કરાવી કેસર કેરીના ઉત્પાદક કિસાનોને યોગ્ય વળતર ચૂકવવા તાલાલા પંથકની 27 ગામની સહકારી મંડળીઓએ માંગણી કરી છે.
તાલાલા પંથકમાં ગત વર્ષે 10 કી.ગ્રાના અંદાજે 20 લાખથી પણ વધુ બોક્સનું ઉત્પાદન થયું હતું. તે પૈકી 9 લાખ 87 હજાર 931 બોક્સ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા,
ગત વર્ષે તા.4 મે યાર્ડમાં કેરીનું વેચાણ શરૂ થયું હતું, તા.17 મે ના તૌઉતે વાવાઝોડું આવ્યું. ત્યારબાદ કેરીની આવક ઘટી ગઈ હતી, છતાં પણ તા.3/9/2021 એટલે કે યાર્ડમાં 35 દિવસની સિઝન ચાલી હતી. આ વર્ષે કેરીનો પાક પાછોતરો અને જુજ હોય કેસર કેરીનું પીઠું ગણાતાં તાલાલા યાર્ડ શરૂ થવાના કોઈ અણસાર જોવા મળતા નથી તેવું બાગાયતી ખેડૂતોનું કહેવું છે.
બીજી તરફ રમરેચી સેવા સહકારી મંડળી ના પ્રમુખ લક્ષ્મીદાસ ઝાટકીયાના જણાવ્યા મુજબ તાલાળા પંથકની 27 સહકારી મંડળીઓએ કેસર કેરીના ઉત્પાદક ખેડૂતોને રૂ.90 કરોડ બાગાયતી ધિરાણ કર્યું છે. આ ઉપરાંત બેંકોમાંથી પણ ધીરાણ મેળવ્યું હોય, તાલાલા ગીર પંથકમાં 125 કરોડથી પણ વધુ કિસાનોએ બાગાયત ધિરાણ મેળવ્યું હોવાનો અંદાજ વ્યક્ત થઈ રહ્યો છે. ત્યારે કેસર કરીના પાકને છેલ્લા બે વર્ષથી વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોય કેરીના ઉત્પાદક ખેડૂતો દયાજનક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, માટે નોંધારા થઈ ગયેલ કિસાનોને બેઠા કરવા તાલાલા પંથકના કેરીના ઉત્પાદક કિસાનોનું ચાલુ વર્ષનું બાગાયતી ધિરાણ માફ કરવા રાજય અને કેન્દ્ર સરકાર ખાસ પેકેજ જાહેર કરવા ની પ્રબળ માંગ ઉઠી છે.
કેસર કેરીનો પાક અનુકૂળ આબોહવાના અભાવે ક્રમશઃ ઓછો થતો જાય છે તાલાલા પંથકની કુલ 29 હજાર હેકટર જમીન પૈકી 13 હજાર હેક્ટર જમીનમાં કેસર કેરીના બગીચામાં 15 લાખ થી પણ વધુ આંબાના વૃક્ષો છે. પરીણામે તાલાલા પંથકનો મુખ્ય પાક બાગાયતી કેસર કેરી પાક ગણાય છે, જેને કારણે કેરીનો પાક તાલાલા પંથકની જીવાદોરી સમાન હોય કેસર કેરીના પાકને પાક વિમામાં સમાવેશ કરવા હવે વિલંબ કરવામાં આવશે તો ખેડૂતો આંબા કાપવા લાગશે અને તાલાલા પંથકના આંબાના બગીચા ભુતકાળ બની જશે તેવી ભિતી વ્યક્ત થઈ રહી છે.
આ પણ વાંચો :Sokhda Haridham Controversy : વિવાદ વકરતા મંદિરમાં મીડિયાકર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ
Meteor Shower: આજ રાતથી આકાશમાં દિવાળી જેવો માહોલ, 29 એપ્રિલ સુધી જોવા મળશે ખરતા તારા