તમે એવી ઘણી ફિલ્મો જોઈ હશે કે જેમાં પ્રેમી પ્રમિકાને મળવા માટે એક હદ વટાવી જાય. તમે જોયું હશે કે હીરો હિરોઈનને મળવા માટે અલગ અલગ વેશ અને બહાના કરીને પહોંચી જતો હોય છે. રાજકુમાર રાઓની એક ફિલ્મ હતી જેમાં છોકરી માટે થઈને ટે IAS બની જાય છે. તો તાજેતરમાં આવેલી એક વેબ સિરીઝમાં હીરો IAS બનવા માટે પ્રેમિકાને છોડી ડે છે. પરંતુ રિયલ લાઈફની એક ઘટના એવી સામે આવી છે જેને સાંભળીને તમને વિશ્વાસ નહીં થાય.
પોલીસથી બચવા કારસ્તાન
અસમમાં બનેલી આ ઘટનામાં કથિતરૂપે એક યુવકે પ્રેમિકાને મળવા માટે એવું કારસ્તાન કર્યું કે જેલમાં જવું પડતું. અહેવાલ અનુસાર લોકડાઉનમાં પ્રેમિકાના જન્મદિન પર યુવક સેલિબ્રેશન કરવા માંગતો હતો. અને આ માટે તેણે એક ગાડી ભાડા પર લીધી. એટલું જ નહીં પોલીસથી બચવા માટે તે અસમ, જોરહાટના તિતાબોરનો ફેક “મેજીસ્ટ્રેટ” બની ગયો. આ રીતે પોતાની જાતને મેજીસ્ટ્રેટ બતાવીને તે પ્રેમિકા સુધી પહોંચવા માંગતો હતો. પરંતુ તેમ છતાં પોલીસથી બચી શક્યો નહીં.
ભાડે લીધી હતી કાર
અહેવાલ મુજબ આ વ્યક્તિની ઓળખ બિસ્વાજ્યોતિ દત્તા ઉર્ફે મધુરજ્યા બોરા તરીકે થઈ છે. તે જોરહાટ જિલ્લાના તિતાબોરના એક ગામનો છે. પોલીસે યુવક પર ‘જિલ્લા મેજિસ્ટ્રેટ’ હોવાનો ખોટો દાવો કરવાનો આરોપ લગાવ્યો છે. કહેવામાં આવ્યું હતું કે યુવકે જન્મદિવસની પાર્ટીમાં ઢેકિયાજુલી જવા માટે કાર ભાડે લીધી હતી. કોઈ પણ કારણ વગર મુસાફરી કરવાને કારણે પોલીસ સામે લોકડાઉનમાં ફસાઈ ન જાય તેથી તેણે કાર પર ‘ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ’ લખીને પોતાને ‘મેજિસ્ટ્રેટ’ બતાવ્યો હતો.
કાર ચલાવવા ડ્રાઇવર પણ રાખ્યો હતો
યુવકે આ કામ ખૂબ જ ચોકસાઈથી કર્યું. અસલી ‘ડીએમ’ લાગે તે માટે તેણે કાર ચલાવવા માટે ડ્રાઇવર પણ લીધો. ડ્રાઇવરે નાગાલેન્ડ પોસ્ટને જણાવ્યું કે તે યુવાન તેને બર્થડે પાર્ટીમાં અને અન્ય કેટલીક જગ્યાએ લઈ ગયો હતો. તે તિતાબોરના ડીએમ બનીને ચિનમારા પોલીસ સ્ટેશન પણ પહોંચ્યો હતો, જ્યાં તેની પોલ ખુલ્લી પડી ગઈ. તેની પોલ ત્યારે ઉઘાડી પડી જ્યારે તેણે ચિનમારા પોલીસ ચોકીમાં પોસ્ટ કરાયેલા પોલીસકર્મીઓની ભૂલો શોધવાનો પ્રયાસ કર્યો.
વેશપલટો કરીને ઠગે છે લોકોને
તમને જણાવી દઈએ કે વ્યક્તિએ આ પહેલીવાર કર્યું નથી. તે અનેક વાર વેશપલટો કરીને લોકોને છેતરવાનો પ્રયાસ કરતો રહ્યો છે. ગયા વર્ષે લોકડાઉન દરમિયાન તેણે ડોક્ટર બનીને ઘણા લોકોને લુંટ્યા હતા. એટલું જ નહીં તેણે વકીલ અને જિલ્લા બાળ સુરક્ષા સેવાના સભ્ય હોવાનો પણ ઢોંગ કરેલો છે.
આ પણ વાંચો: કેટલો સમય બચ્યો છે પૃથ્વી અને મનુષ્ય પાસે? શું અંત છે નજીક? જાણો શું કહ્યું Harvard ના પ્રોફેસરે