પાડોશી સંઘ પ્રદેશ દમણના બામણ પૂજા વિસ્તારમાં ચોર સમજીને એક કિશોરને સ્થાનિકો દ્વારા તાલીબાની સજા આપવાનું ભારે પડ્યું છે.કિશોરને જાહેરમાં નગ્ન કરીને માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ દમણ પોલીસે તપાસ શરુ કરીને ૩ શખ્સોની ધરપકડ કરી છે.
સોશિયલ મીડિયામાં ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો.આ વિડીયો જોઈને કોઈના પણ રૂઆંટા ઉભા થઇ જાય એવો આ વિડીયો હતો.વિડીયોમાં એક કિશોર ઉપર લોકો તુટી પડ્યા હતા અને જેમ ફાવે તેમ આ કિશોરને માર મારી રહ્યા હતા.કિશોર બચવા માટે આજીજી કરી રહ્યો હતો.પરંતુ કોઈ પણ રહેમ કે દયા કર્યા વિના લોકો તેને ફટકારી રહ્યા હતા.કોઈ તેના પગ ઉપર ઉભા રહીને મારતા નજરે પડ્યા હતા તો આવતા જતા લોકો પણ કિશોરને તમાચા મારી રહ્યા હતા.વાત અહીંથી અટકતી નથી..આ કિશોરને નગ્ન કરવામાં આવ્યો હતો અને તેને થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવી રહ્યો હતો.
વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ક્યાંનો છે અને કેમ કિશોરને મારવામાં આવી રહ્યો છે એ સવ કોઈ વિચારી રહ્યા હતા.ત્યારે સામે આવ્યું કે વિડીયો દમણના બામણ પુજા વિસ્તારના બજારનો છે અને આ કિશોરને ચોર સમજીને લોકો મારી રહ્યા હતા.જેથી દમણ પોલીસ હરકતમાં આવી હતી અને કિશોર ની શોધખોળ કરી હતી.જોકે કિશોર ન મળતા આખરે દમણ પોલીસે ખુદ ફરીયાદી બનીને ગુનો નોંધી અને કિશોરને માર મારી રહેલા ૩ શખ્સો અંકિત પટેલ, દિલીપ પટેલ અને નરેશ પટેલ નામના વ્યક્તિઓની ધરપકડ કરી છે.
ચોંકાવનારી વાત તો એ છે કે જે સમયે સગીરને માર મારવામાં આવી રહ્યો હતો.તે સમયે ખાખી પણ ત્યાં હાજર હતી.આ સગીરને માર મારવાની સમગ્ર ઘટના દરમિયાન ખાખી વર્ધી ધારી એક કર્મચારી ત્યાં ઉભો હતો.જોકે લોકોને રોકવાના બદલે આ કર્મચારી ચુપ ચાપ દ્રશ્યો નિહાળી રહ્યો હતો.તો પોલીસે આ કર્મી વિષે તપાસ કરતા તે પોલીસ નહિ પણ એક્સાઈઝ વિભાગનો કર્મચારી હોવાનું સામે આવ્યું હતું.ત્યારે ભલે એ એક્સાઈઝ વિભાગમાં હોય, પરંતુ તેની ફરજ હતી કે સવથી પેહલા તે નજીકના પોલીસને જાણ કરી આ તાલાબાની ઘટના અટકાવે. પરંતુ તેવું ન થયું અને એક સગીર હેવાનોનો શિકાર બની ગયો હતો.માની લઈએ કે આ કિશોર એ ચોરી પણ કરી હોય પરંતુ તેને સજા આપવાની કામગીરી પોલીસની છે નહિ કે તેના ઉપર આ રીતે તુટી પડવું જોઈએ.
આ સમગ્ર કાંડ ના મુખ્ય ત્રણ દોષિત ને દમણ પોલીસે પાંજરે પૂર્યા છે.જોકે હજી સુધી દમણ પોલીસ ભોગ બનેલ કિશોર સુધી પહોંચી શકી નથી.નાની અમથી વાત માં કેટલાક લોકો પોતે જ જજ બની ન્યાય આપવા લગતા હોય છે અને પોતે જ અપરાધી બની જાય છે.ત્યારે આ મામલા પણ પોતેજ ન્યાયાધીશ બનેલા આ ત્રણ ઈસમો હાલે અપરાધી બની જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.દમણ પોલીસે પણ વલસાડ પોલીસની પણ મદદ લઈ અને ભોગ બનેલ કિશોરને પણ શોધવા પોલીસે તપાસ તેજ કરી છે અને લોકો ને પણ દમણ પોલીસે અપીલ કરી છે કે કોઈ પણ સંજોગો માં કાયદો હાથમાં ન લેવો તાત્કાલિક પોલીસ નો સંપર્ક કરવો.