સોશિયલ મીડિયાનો ક્રેઝ જેમ જેમ વધી રહ્યો છે. તેમ તેમ સાઈબર ક્રાઈમના કેસોમાં પણ ઉછાળો આવી રહ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક તક સાધુઓ પોતાના ગજવા ગરમ કરતા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચુક્યા છે. તો આ વખતે વલસાડની એક મહિલાને ઇન્સટાગ્રામના માધ્યમથી એક શખ્સ બ્લેક મેલ કરતો હોવાનો મામલો સામે આવ્યો છે. જોકે વલસાડ પોલીસે આ ઠગને ગણતરીના સમયમાજ ઝબ્બે કરી જેલના સળિયા ગણાવાય છે.
સોશિયલ મીડિયાને કેટલીક જાણીતી એપ કે જે ખરેખર ઉપયોગમાં પણ આવે છે. આ એપના માધ્યમથી કોઈ પોતાનો વ્યવસાય વિકસાવે છે. તો કોઈ પોતાનું બ્રાન્ડીંગ કરવા એપનો સહારો લેય છે. તેમાં પણ ખાસ કરીને રાજનીતિમાં કેટલીક જાણીતી એપ્લીકેશનએ પોતાનું જબરજસ્ત સ્થાન ઉભું કર્યું છે. પરંતુ સોશિયલ મીડિયા જેટલું કામનું છે એટલુજ ખતરનાક પણ બની શકે છે. અને તમે નાણાકીય નુકસાનથી માંડીને બ્લેક મેલના શિકાર પણ બની શકો છે.
આવોજ એક કિસ્સો વલસાડમાં સામે આવ્યો છે, વલસાડની એક યુવતીને ઇન્સટાગ્રામ ઉપર એક ઠગ ભટકાયો હતો. આ ઠગએ રૂપિયા લઈને ઇન્સટાગ્રામ ઉપર ફોલોઅર્સ વધારવાની મહિલાને લાલચ આપી હતી. અને બાદમાં મિત્રતા કેળવી તેના ફોટો મેળવ્યા હતા. જે બાદ બ્લેક મેલનો સિલસિલો શરુ થયો હતો. આ ઠગએ યુવતીને ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. અને એ ન કરવા માટે તેણે પૈસાની માંગણી કરી હતી. જોકે યુવતીએ હિમ્મત દાખવી સાયબર ક્રાઈમ પોલીસનો સહારો લીધો હતો. જેથી પોલીસે તાત્કાલિક આધુનિક ટેકનોલોજીથી ઠગનું આઈ.પી ટ્રેસ કર્યું હતું અને તેને ઝબ્બે કરી લીધો છે.
આરોપીને છેક બેંગ્લોરથી પોલીસે ઝડપી પાડ્યો છે.તેનું નામ એમ.ડી.રુસુલ ઉલ્લ હક છે અને આરોપી બીકોમ ભણ્યો છે.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પહેલા પણ આજ રીતે આરોપી યુવતીઓને ફસાવી ચુક્યો છે.તેણે કેટલીક યુવતીઓ પાસેથી નાણા પણ ખંખેર્યા છે.છેલ્લા આશરે ૯ માસથી આરોપીએ આસાનીથી પૈસા કમાવવા સોશિયલ મીડિયાનું માધ્યમ અપવાન્યું હતું.ત્યારે પોલીસે હવે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
એ.ડી.રસુલ ઉલ્લ હક જેવા અનેક ભેજાબાજ ઠગો છે કે જેમણે સોશિયલ મીડિયા પૈસા કમાવવાનું માધ્યમ બનાવ્યું છે.જોકે હવે તંત્ર પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આવા ઠગો સુધી પહોંચી જાય છે. પેહલા મોટા ભાગે જુદા જુદા આઈ.પીથી કારસ્તાન કરીને આવા ઠગો પોતાનો મનસુબો પાર પાડી લેતા હતા. ત્યારે લોકોએ પણ સાવચેત રેહવાની જરૂર છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ પ્રકારની લોભામણી ઓફર આવે તો તેને ઉંડાણ સુધી પારખ્યા બાદજ તેમાં આગળ વધવું જોઈએ કે જેથી તેમના પરસેવાના પૈસા કોઈ લેભાગુ હડપ ન કરી જાય.