સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિકથી ધમધમતા સાયલામાં અંદાજિત 1400 કિલો ચાંદીની લૂંટ થઈ હતી. કુલ 3.88 કરોડની જવેલરીની લૂંટ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. રેન્જ આઇ.જી. સહિત જીલ્લા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હાલમાં પોલીસની 15થી વધારે ટીમો આ ઘટનાની તપાસમાં જોડાઈ ગઈ છે. આ ઘટનાને પગલે રાજકોટ રેન્જ આઇ.જી. અશોક કુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાતે સઘન તપાસ શરૂ કરી છે અને પોલીસની ટીમ દ્વારા લૂંટારૂઓના વાહનથી માંડીને આસપાસના CCTVની ચકાસણી તેમજ સ્થાનિકોની પૂછપરછ કરીને આરોપીઓ સુધી પહોંચવાના પ્રયત્નો થઈ રહ્યા છે.
નોંધનીય છે કે રાત્રે કુરિયરની ગાડી રાજકોટથી અમદાવાદ જવા માટે 9-40 વાગ્યે નીકળી હતી અને આ ગાડી સાયલા નજીક પહોંચતા 3 જેટલી કાર દ્વારા ન્યુઝ એર કંપનીની કારને આંતરી લૂંટારુઓ દ્વારા લૂંટ ચલાવવામાં આવી હતી.
આ ઘટનામાં રાજકોટમાં પણ પોલીસે પાર્સલ ઓફિસના સીસીટીવીની ચકાસણી કરી હતી. ન્યુ એર સર્વિસના માલિક તેમજ કર્મચારીઓની પૂછપરછ પણ હાથ ધરાઇ હતી. બીજી તરફ સિલ્વર એસોસિએશનના પ્રમુખ પણ ન્યૂઝ એર સર્વિસની ઓફિસ પહોંચ્યા હતા અને તેમણે જણાવ્યું કે જે લૂંટ થઇ છે તેમાં અલગ અલગ વેપારીઓનો માલ હતો અને અમને સરકાર તેમજ પોલીસ પર વિશ્વાસ છે કે અમારો માલ પરત આવી જશે.
હાલમાં પોલીસની ટીમ દ્વારા હાઇવે સહિતના રસ્તા ઉપર પણ નાકાબંધી કરવામાં આવી છે અને પાર્સલ ઓફિસથી માંડીને હાઇવે સુધીના તમામ સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે. આ તપાસમાં ગાડી પાર્સલ ભરી રાત્રિના 9.40 વાગ્યે રણછોડનગરમાંથી રવાના થાય છે તે બાબત પણ જોવા મળી હતી.
હાલ ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે. લૂંટારુઓ કઇ દિશામાં ગયા તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે વિવિધ ટીમો બનાવી લૂંટારુઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સાથે જ લૂંટારુંઓનું પગેરું શોધવા સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: Surendranagar : સાયલામાં આંગડિયા કર્મચારી લૂંટાયો, 1400 કિલો ચાંદી લઈ ગઠિયાઓ ફરાર
Published On - 2:14 pm, Sat, 18 February 23