Surat : સુરતમાં 3 યુવકોને પોલીસના કર્મચારીઓએ (Policemen) ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસના મારના કારણે ત્રણ યુવકોને ગંભીર ઈજાઓ પહોચી હતી. આ સમગ્ર મામલે યુવકોને માર મારનાર 8 પોલીસ કર્મચારીઓ સામે પુણા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી ન્યાયની માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો Surat : શહેરમાં ફરી એકવાર BRTS રુટ પર સર્જાયો અકસ્માત, સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે, જુઓ Video
મળતી વિગતો અનુસાર મૂળ રાજસ્થાનના વતની અને હાલ પરિવાર સાથે પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા મનીષભાઈ જાજુ પિતા સાથે કાપડનો વેપાર કરે છે. ત્યારે 21 ઓગષ્ટના રાત્રીના 9 વાગ્યાના અરસામાં તેઓ દુકાન બંધ કરીને પોતાના ભાઈ કૌશલ સાથે મોપેડ પર ઘરે આવી રહ્યા હતા. આ દરમ્યાન પુણા ઇન્ટરસીટી ખાડી પુલ પાસે પોલીસનું વાહન ચેકિંગ ચાલતું હતું.
તેથી યુવકે પોતાની મોપેડ સાઈડ પર ઉભી રાખીને બંને ભાઈઓ પોલીસ પાસે ગયા હતા અને સર્વિસ રોડ પરથી જઈ શકીએ છીએ તેમ પૂછ્યું હતું તો પોલીસના માણસોએ તેઓને સર્વિસ રોડ પરથી જવાની હા પાડી હતી.
તેથી બંને ભાઈ મોપેડ પર બેસીને સર્વિસ રોડ પરથી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ત્યાં એક પોલીસકર્મીએ લાકડી સામે રાખી તેઓની મોપેડને ઉભી રખાવી હતી. તો યુવકે કહ્યું કે તમે જ તો અહીંથી જવાની હા પાડી હતી. તેમ કહેતા ત્યાં ઉભેલા પોલીસકર્મીએ તેને લાફો મારો દીધો હતો. યુવકે માર મારવાની ના પાડતા અને હાથ આડો કરતા પાછળથી બે ત્રણ જણા લાકડી લઈને આવીને માર મારવા લાગ્યા હતા.
ત્યારબાદ પોલીસની વાન ત્યાં આવી જતા બંને ભાઈઓને માર મારી પીસીઆર વાનમાં બેસાડી દીધા હતા. પીસીઆર વાનમાં પણ માર મારવામાં આવ્યો હતો. ત્યાર બાદ પુણા પોલીસ મથકે લઇ આવ્યા હતા જ્યાં એક ઓફિસમાં લઇ ગયા હતા ત્યાં તેઓનો મિત્ર દેવેન્દ્ર ધનસિંગ રાજપુરોહિત પણ અગાઉથી બેઠો હતો. તેને પૂછતા તેણે જણાવ્યું હતું કે તે બંને યુવકોની પાછળ જ હતો અને પોલીસકર્મીઓ તેને માર મારતા સમયે વિડીયો ઉતારવા જતા તેને જોઈ ગયા હતા. તેથી રીક્ષામાં બેસાડી તેને પણ પોલીસ મથકે લઇ આવ્યા હતા.
આ ઉપરાંત ઓફિસમાં 7થી 8 પોલીસકર્મીઓએ બીભત્સ ગાળો આપી લાકડી અને ઢીક્કા મુક્કીથી માર માર્યો હતો અને બાદમાં માફી પત્ર લખાવી હેલમેટ નહી પહેરવા અંગેની રસીદ આપી બંને ભાઈઓને જવા દીધા હતા, બીજી તરફ ઈજાગ્રસ્ત બંને ભાઈઓ અને તેનો મિત્ર સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ગયા હતા જ્યાં રીપોર્ટ કરાવતા મનીષના હાથના કાંડ પાસે ફેકચર થયું હતું તેમજ તેના મિત્ર દેવેન્દ્રને કાને સંભળાવવાનું બંધ થઇ ગયું હતું. તેથી ડોક્ટરને બતાવતા કાનનો પડદો ફાટી ગયો હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત તેના મનીષના ભાઈ કૌશલને સાથળના ભાગે અને શરીર પર ગંભીર ઈજાઓ થઇ હતી.
આ બનાવ અંગે DCP ભક્તિ ઠાકરે જણાવ્યું હતું કે પુણા પોલીસ મથકની અંદર વાહન ચેકિંગની ડ્રાઈવ હતી અને પોલીસકર્મીઓ વાહન ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમ્યાન બે બાઈક પર ચા૨ યુવાનો ત્યાં આવ્યા હતા તેથી પોલીસે તેઓને વાહન ચેકિંગ માટે રોક્યા હતા. આ યુવકોની એવી રજૂઆત છે કે તેઓને સ્થળ પર અને પોલીસ મથકે લાવીને માર માર્યો છે તેથી યુવકની ફરિયાદના આધારે હાલ 8 પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.