સુરતના (Surat) સચિન જીઆઈડીસી વિસ્તારમાં 5 વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મના કેસમાં આરોપીને જિલ્લા કોર્ટે (Surat District Court) આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ 50 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો. બે વર્ષ પહેલા સચિન જી.આઈ.ડી.સી.ના નવા બાંધકામવાળા ખાતાના પહેલા માળે રાત્રિના સમયે પોતાના પિતા સાથે સુતેલી પાંચ વર્ષની બાળકીને ઝુપડીમાં લઈ જઈ આરોપીએ દુષ્કર્મ (Rape) આચર્યુ હતુ. જે કેસમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ.એન. અંજારીઆએ આરોપીને આજીવન કેદની સજા સંભળાવી છે.
આ કેસની વાત કરીએ તો 09 ડિસેમ્બર 2020ના રોજ રાત્રિના સમયે સચિન જી.આઈ. ડી.સી લક્ષ્મી ટેક્ષટાઈલ પાર્ક નવા બાંધકામવાળા ખાતાના પહેલા માળે પાંચ વર્ષની બાળકી તેના પિતા સાથે સુતી હતી.આ ગુનાના આરોપી મુકેશ શાહે તમામ સૂતા હોવાનો મોકો ઝડપી લીધો હતો અને પિતા સાથે સુતેલી પાંચ વર્ષની બાળકીને લક્ષ્મી ટેક્સટાઈલ પાર્કની પાછળ ઈલેકટ્રીક લાઈનની નીચે ખુલ્લી ઝાડી ઝાખરા વાળી જગ્યામાં લઈ ગયો હતો. ત્યાં બાળકી પર દુષ્કર્મ ગુજારી તે ફરાર થઈ ગયો હતો.
દુષ્કર્મના કેસમાં પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આમ, આરોપી મુકેશ શાહ વિરૂદ્ધ પુરતો પુરાવો મળતા 4 જાન્યુઆરી 2021ના રોજ ચાર્જશીટ રજૂ કરવામાં આવતા આ કેસ નામદાર ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જડજ એ.એન.અંજારીઆની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી અને આરોપી વિરૂદ્ધ પુરતા પુરાવા સાથે કેસ પુરવાર થયો હતો. કોર્ટે આરોપીને 30 એપ્રિલ 2022 રોજ દોષિત ઠેરવ્યો હતો અને આજીવન કેદ એટલે કે બાકી જીંદગીના વર્ષ સુધીની સખત કેદની સજા ફટકારી છે અને 50 હજારનો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કર્યો છે.