પંજાબમાં સિદ્ધુ મૂસેવાલાની (Sidhu Moosewala) હત્યાના કારણે ફરી એકવાર ચર્ચામાં આવેલી લોરેન્સ બિશ્નોઈ ગેંગ (Lawrence Bishnoi gangs) વિરુદ્ધ NIAએ સોમવારે મોટી કાર્યવાહી શરૂ કરી છે. દિલ્હી NCR ઉપરાંત NIAની અલગ-અલગ ટીમો પંજાબ, હરિયાણા, યુપી અને ઉત્તરાખંડની સાથે રાજસ્થાનમાં 40 થી વધુ સ્થળો પર દરોડા પાડી રહી છે. આ કાર્યવાહીમાં માત્ર લોરેન્સ બિશ્નોઈ ગેંગ NIAના નિશાના પર નથી પરંતુ કૌશલ, કાલા જથેરી, બંબૈયા અને અન્ય ગેંગસ્ટર સામેલ છે. NIAની આ કાર્યવાહી માત્ર આ ગેંગસ્ટરોના વિદેશી કનેક્શન માટે કરવામાં આવી રહી છે એટલું જ નહીં, તેમના ખંડણીના ધંધામાં હવાલા બિઝનેસ નેટવર્ક વિશે પણ માહિતી મળી છે.
જણાવી દઈએ કે પંજાબી પોપ સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં ઘણા આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આ આરોપીઓ પાસેથી ઇનપુટ મળ્યા બાદ NIAએ ગયા મહિને મોટી કાર્યવાહી કરી હતી. એક મહિનામાં આ જ કેસમાં NIAની આ બીજી કાર્યવાહી છે. પંજાબના ડીજીપી ગૌરવ યાદવે રવિવારે દાવો કર્યો હતો કે ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં છ શાર્પશૂટર્સ સામેલ હતા. આમાંથી ચાર શૂટરોને પંજાબ પોલીસે જેલમાં મોકલી દીધા છે. જ્યારે, એન્કાઉન્ટરમાં બે શૂટરો માર્યા ગયા હતા. તેણે કહ્યું હતું કે કેનેડામાં છુપાયેલા ગોલ્ડી બ્રારની આ ઘટના પાછળ મહત્વની ભૂમિકા હતી. ડીજીપીના જણાવ્યા અનુસાર આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 23 બદમાશોની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પંજાબ, હરિયાણા અને રાજસ્થાન ઉપરાંત ઘણા રાજ્યોમાં સક્રિય છે. કહેવામાં આવી રહ્યું છે કે તે હજુ પણ જેલમાં બેસીને પોતાનું નેટવર્ક ચલાવી રહ્યો છે. માત્ર ત્રણ વર્ષ પહેલા જ હરિયાણા STFએ તેના સૌથી ખતરનાક શૂટર સંપત નેહરાની ધરપકડ કરી હતી. ત્યારે ખબર પડી કે સલમાન ખાન સહિત અન્ય ઘણા કલાકારો અને રાજનેતાઓ તેમના નિશાના પર છે. આ ઘટસ્ફોટ પછી, તેના અન્ય ઘણા સાગરિતોની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે બિશ્નોઈ રાજસ્થાનની જેલમાં બેસીને તેની ગેંગ ચલાવતો હતો. હવે તે તિહાર જેલમાં કેદ છે.
NIAના આ દરોડામાં લોરેન્સ બિશ્નોઈ તેમજ અન્ય ગેંગસ્ટરોના મદદગારો પણ નિશાના પર છે. સંબંધિત રાજ્યોની પોલીસે આ ગેંગસ્ટરોના મદદગારોની સંપૂર્ણ યાદી લીધી છે. ત્યારથી આ તમામ પર નજર રાખવામાં આવી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ મદદગારોની શોધમાં યુપી, ઉત્તરાખંડ ઉપરાંત એનઆઈએ હરિયાણાના દસ અને પંજાબના ચાર જિલ્લામાં દરોડા પાડી રહી છે.