મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામેથી 120 કિલો ડ્રગ્સનો જથ્થો પકડાવવાનો કેસમાં ATSએ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા 12 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. ગઈકાલે 600 કરોડની કિંમતનો 120 કિલો ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરાયા બાદ સેશન્સ કોર્ટમાં રજૂ કરતા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતા સેશન્સ કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સમસુદ્દીન પીરઝાદા, ગુલામ હુસૈન, મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બારને કોર્ટમાં રજૂ કરાતા 12 દિવસના રિમાન્ડ મંજુર થયા છે. ત્યારે આરોપીઓના 12 દિવસના રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા સેવાઇ રહી છે.
ATS એ મધ્યરાત્રીએ આ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં કરોડોના ડ્રગ્સના જથ્થો સાથે ત્રણ શખ્સની અટકાયત કરવામાં આવી હતી.ઝીંઝુડાના કોઠાવાડા પીરની દરગાહની બાજુના મકાનમાં ડ્રગ્સ છૂપાવ્યું હતું. જ્યાં ATSની ટીમે રવિવારની રાત્રે બે મકાનમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી ડ્રગ્સ ઝડપાયું છે. જે શખ્સોની ધરપકડ કરાઈ છે તેમાં ગુલાબ હુસૈન, શમસુદ્દીન, મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બારનો સમાવેશ થાય છે.
ગુલાબ હુસૈન જામનગરના સલાયાનો રહેવાસી છે. મુખ્તાર જબ્બાર જામનગરના જોડિયાનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ગુલાબ અને મુખ્તારે પાકિસ્તાનથી ડ્રગ્સ મગાવ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં પોલીસની ધોંસ વધતાં મોરબીના અંદરિયાળ ગામના મકાનમાં ડ્રગ્સ સંતાડવામાં આવ્યું હતું. હેરોઈનના આ જથ્થાના તાર ગુજરાત બહાર પણ હોવાનું સામે આવ્યું છે. જે બાબતે કેન્દ્રની એજન્સીઓને જાણ કરાઈ છે.
ત્યારે જે રીતે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ડ્રગ્સ પકડાઈ રહ્યું છે તેના પરથી લાગી રહ્યું છે કે દેશમાં ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાત સેફ પેસેજ બની રહ્યું છે. મુન્દ્રા, દ્વારકા બાદ હવે મોરબીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે.
ઝીઝુંડા ગામ મોરબી શહેરથી ૩૫ કિલોમીટર દુર આવેલું છે.નવલખી બંદરથી નજીક અંતરયાણ વિસ્તારમાં આવેલા ગામમાં ૧૮૦૦ લોકોની વસતી આવેલી છે મોટાભાગે મુસ્લિમ અને કોળી સમાજના લોકો આ ગામમાં રહે છે.આ ગામમાં કોઠાવાલા પીરની દરગાહ આવેલી છે જે ધાર્મિક સ્થાન છે અને અહીં અલગ અલગ સ્થળોએથી લોકો દર્શન માટે આવે છે.