JAMNAGAR જીલ્લાના કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામની સેવા સહકારી મંડળીમાં (Co-operative society)ઉચાપત થઈ હોવાની પોલિસ ફરીયાદ નોધાઈ છે. જેમાં મંત્રી તરીકે ફરજ બજાવતા કર્મચારીએ મંડળીના નામે રૂપિયા 60 લાખની ઉચાપત (Embezzlement)કરી હોવાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ દફતરમાં નોંધાવવામાં આવી છે. આરોપી મંત્રીએ બે વર્ષ પૂર્વે મંડળીના નામે ગોડાઉન ખરીદ કર્યા અંગેના ખોટા દસ્તાવેજ બનાવી, પ્રમુખ સહિતનાઓની ખોટી સહીઓ કરી, નાણા ઉપાડી અંગત ઉપયોગમાં લઇ છેતરપીંડી આચરી હોવાનું સામે આવ્યું છે.
કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામે આવેલ નપાણીયા ખીજડીયા સેવા સહકારી મંડળી લીમીટેડ ખાતે મંત્રી તરીકે ફરજ બજાવતા બીપીન ચંપકભાઈ જોશીએ વર્ષ 2020ના ઓગસ્ટ માસ પૂર્વે પોતાના અંગત ફાયદા માટે ઠગાઇ કરવાના ઇરાદાથી મંડળીના ખેડુત ખાતેદારો (સભાસદો) પાસેથી પાક ધિરાણ પેટેના નાણાની વસુલાત કરી, મંડળીની અલગ અલગ પહોંચો આપી તેમજ તે પૈકીની અમુક પહોંચોમાં પોતાની જાતે ફેરફાર કરી ખોટી પહોંચો બનાવી રોજમેળમાં ખોટો મનઘડત હીસાબ ઉધારી લીધા હતા. જેમાં રોજમેળમાં પાના નં-61મા સામાન્ય ખાતાવહીના પાના નં-115 થી “શ્રી જમીન ખરીદ ખાતે બાબત જે મંડળીના ગોડાઉન માટે જમીન ખરીદ કરતા મંત્રી બીપીનભાઇ જોષીને વાઉચર મુજબ” વાઉચર નં-66 રોકડા રૂ.60,00,000ની કોઇ પણ ઠરાવ કે મંજુરી વગર એન્ટ્રી કરી નાખી, રૂપીયા સાઇઠ લાખના મુલ્યના નાણાની ઉચાપત કરી મંડળીના મંત્રી તરીકે ગુનાહીત વિશ્વાસધાત કર્યો હતો.
આ જ ઉચાપત માટે આરોપી મંત્રીએ નપાણીયા ખીજડીયા સેવા સહકારી મંડળી લીમીટેડના લેટરપેડ પર તા.29/12/2020 ના રોજ કાલાવડ મામલતદારને સંબોધીને “વિષય: શ્રી નપાણીયા ખીજડીયા સેવા સહકારી મંડળી લીમીટેડના બોજા-ગીરો મુક્તી કરવા મળેલ નોટીસનો જવાબ” તેમ વિષય રાખી જવાબ પણ આપ્યો હતો. જેમાં તેણે પોતાનો બચાવ કરવાના ઇરાદાથી પોતાની રીતે ખોટુ લખાણ આપી, તે લખાણમાં પ્રમુખ તરીકે “રાઘવ દેવશી” નામની હાલના પ્રમુખની ખોટી સહી કરી, મંડળીનો સીક્કો મારી ખોટો દસ્તાવેજ બનાવી ખરા તરીકે ઉપયોગ કર્યો હતો.
આ બાબતની જાણ થતા હાલના મંડળી પ્રમુખ રાધવભાઇ ઉર્ફે રઘુભાઇ દેવશીભાઇ આંબાભાઇ ભાલારાએ જીલ્લા રજીસ્ટ્રાર અને જીલ્લા પંચાયત સહીત લગત સરકારી વિભાગોમાં જાણ કરી હતી. ત્યારબાદ ગુનાહિત કૃત્ય અંગે પોલીસમાં અરજી કરી હતી. જે અરજીના અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસે આજે આરોપી મંત્રી જોશી સામે આઈપીસી કલમ ૪૦૮, ૪૬૪, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૭ (ક) મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં મંત્રીએ સભાસદો કે મંડળીના પદાધિકારીઓની જાણ બહાર ગોડાઉન ખરીદીના નામે રૂપિયા 60 લાખની ઉચાપત કરી લીધાનો આરોપ લગાવ્યો છે. જેને લઈને કાલાવડ ગ્રામ્ય પોલીસ દફતરના પીએસઆઈ એચ.વી.પટેલ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Russia Ukraine conflict : નવી સેટેલાઇટ તસવીરોમાં મોટો ખુલાસો, યુક્રેનને ઘેરી રહ્યું છે રશિયા, સેના અને તોપની તૈનાતી
આ પણ વાંચો : Viral Video : નાનકડા વાઘે માતા સાથે સુંદર અંદાજમાં કર્યો થપ્પો