AHMEDABAD : ઇન્ટેલિજન્સ વિભાગ માં ઓફિસર હોવાનું કહી ને કેન્દ્ર સરકારના ED ડિપાર્ટમેન્ટમાં નોકરી આપવાની લાલચ આપીને લાખ્ખો રૂપિયા પડાવી લેનાર ગઠીયાની રામોલ પોલીસે ધરપકડ કરી છે.આરોપીએ યુવાનને નોકરીની લાલચ આપીને ટુકડે ટુકડે રૂપિયા 19 લાખ પડાવી લીધા.
પોલીસ સકંજામાં રહેલા આ આરોપીનું નામ કમલેશ રાજેન્દ્ર શર્મા છે. આરોપી કમલેશ શર્માએ વસ્ત્રાલમાં રહેતા અને લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા વિવેક રાજપૂતને કેન્દ્ર સરકારના ED ડિપાર્ટમેન્ટમાં નોકરી અપાવવાની લાલચ આપીને વિશ્વાસમાં લઈ અલગ અલગ બહાના હેઠળ રૂપિયા 19 લાખ પડાવી લીધા છે.જો કે ફરિયાદીને પોતાની સાથે નોકરી આપવાની લાલચ આપીને છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
આરોપીની પત્ની ફરિયાદીની પત્નીની મિત્ર હોવાથી બંને વચ્ચે સંપર્ક થયો હતો અને આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે પોતાનું સ્ટાફ સિલેક્શનમાં સેટિંગ હોવાનું કહીને પરીક્ષા માટેનું એડમિટકાર્ડ, ઓફર લેટર અને આઇકાર્ડ સહિતના બનાવટી દસ્તાવેજો પણ મોકલી આપ્યા હતા. જો કે નોકરી માટે યોગ્ય જવાબ ન મળતા અંતે ફરિયાદીએ EDની ઓફીસમાં જઈને આરોપીએ આપેલ દસ્તાવેજોની ખરાઈ કરતા આ તમામ દસ્તાવેજો બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું.
આરોપીએ આ અગાઉ પણ અન્ય બે લોકો ને સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે, જે અંગે ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત યુનિર્વિસટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. જો કે આ સિવાય આરોપીએ અન્ય કોઈને સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને રૂપિયા પડાવ્યા છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : AMRITSAR : સ્વર્ણમંદિરમાં ગુરુ ગ્રંથ સાહેબના અપમાનનો પ્રયાસ, SGPCના કર્મચારીઓએ માર મારતા યુવકનું મોત
આ પણ વાંચો : KUTCH : ઠંડા અને સૂકા પવન ફૂંકાતા લોકો ઠુંઠવાયા, નલિયામાં 2.5 ડિગ્રી તાપમાન નોંધાયું