Dahod : દાહોદમાં પત્નીનો બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પતિ પાસેથી રૂપિયા 90 લાખની ખંડણી માગવાની ઘટના સામે આવી હતી. જોકે, દાહોદ સાયબર ક્રાઈમની ટીમે વેશપલટો કરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે.
દાહોદ તાલુકાના 46 વર્ષીય વ્યક્તિ પર છેલ્લા દોઢેક મહિનાથી ઠગ ટોળકી જુદા-જુદા મોબાઇલ નંબરથી વોટ્સએપ કોલ કરીને 90 લાખની ખંડણી માગતી હતી અને રૂપિયા નહીં આપે તો તેની પત્નીના ન્યૂડ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી અપાતી હતી.
આ મામલે આધેડે એસ.પી ડૉ.રાજદીપસિંહ ઝાલાનો સંપર્ક કરતાં સાયબર સેલ અને એસઓજીની ટીમે ટ્રેપ ગોઠવી હતી. આ દરમિયાન આધેડને ફરીથી ફોન આવતાં ઠગને રૂપિયા લેવા માટે કતવારા હાઇવે બોલાવ્યો હતો. જેમાં ઠગે બેગ મૂકીને જતા રહેવાની શરત મૂકી હતી. બીજી તરફ આ ઘટનાક્રમ દરમિયાન પોલીસ મજૂર બનીને ગોઠવાઈ ગઈ હતી. આધેડ બેગ મૂકીને જતો રહ્યા બાદ આરોપીઓ બેગ લેવા આવ્યા હતા. આ દરમિયાન મજૂરનો વેશમાં ઉભેલી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.