Bhavnagar: પોલીસ વિભાગમાં PSI તરીકે ફરજ બજાવતી એક મહિલાએ તેના પર દુષ્કર્મની અને પોતાના ઘરે લૂંટ થયાની ફરીયાદ નોંધાવી છે. મહિલાએ રોકડ અને સોના સહિત પાંચ લાખની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાને લઈને પોલીસ વિભાગમાં ભારે ચર્ચાનો વિષય ઉભો થયો છે. ફરિયાદમાં જેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવાયેલ છે તે પણ કચ્છ જિલ્લામાં પીએસઆઈ હોવાનું સામે આવ્યું છે. એક મહિલા પીએસઆઇ પર પોલીસ વિભાગનો જ પીએસઆઈ દુષ્કર્મ આચરે એ કેટલી શરમજનક ઘટના ગણાવી શકાય. જોકે પોલીસે આ ફરિયાદના આધારે હાલ તપાસ હાથ ધરી છે.
ફરિયાદની સાચી હકીકતો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. ભાવનગર શહેરમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતી એક મહિલા પીએસઆઇ પર કચ્છ ભુજમાં ફરજ બજાવતા પીએસઆઇ રાકેશ કટારા સામે ભાવનગરમાં ગત મોડી રાત્રે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં આરોપ છે કે, પીએસઆઇ દ્વારા તેમના પર દુષ્કર્મ અને માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. સાથે જ રોકડ, સોનાના ઘરેણા સહિત પાંચ લાખ રૂપિયાની લૂંટ પણ ચલાવવામાં આવી છે.
આ ઘટનામાં પોળજસે 376, 406, 420, 506(2) સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બી ડિવિઝનમાં દાખલ કરવામાં આવેલ છે. આગળની તપાસ સી. ડિવિઝનના પી આઈ ઝાલાને સોંપવામાં આવી છે. જોકે આ ઘટનાને લઈને પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસ વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર કચ્છ માંથી પીએસઆઈની અટકાયત કરી ભાવનગર પોલીસ પરત આવવા નીકળી ચૂકી છે.
ભાવનગર એઅસપી સફિન હસને મીડીયાને જણવ્યું કે, આ બન્ને પીએસઆઈ વચ્ચે ભૂતકાળમાં સારા સંબંધો હતા, પીએસઆઇ દ્વાર પોતાનું લગ્ન જીવન બરોબર ચાલતું નથી અને આવનાર દિવસોમા હું તારી સાથે લગ્ન કરીશ, જેવા ખોટી હકીકતો જણાવી અને મહિલા પીએસઆઈને સાચી હકીકતોની ખબર પડતાં પીએસઆઇ દ્વારા તેને ચેટ અને ફોટા વાઇરલ કરી દેવાની ધમકીઓ આપી હતી. તેમને માનસિક ત્રાસ આપી ઘરમાંથી 3 લાખ રોકડા અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી અને તેનું શોષણ કરતા તેમણે તેમના ઉપરી અધિકારીને વાત કરી હતી. બાદમાં હિંમત સાથે મહીલા પીએસઆઇએ ફરિયાદ કરતા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
Published On - 3:14 pm, Fri, 1 April 22