આપણે ત્યાં કહેવત છે કે “લોભિયા હોય ત્યાં ધુતારા ભુખ્યા ન મરે” આ કહેવત ભાવનગરમાં સાચી ઠરી છે. ભાવનગર જિલ્લાના રાજપરા ગામે રહેતા અશોકભાઈ ડાંગર અને તેના કાકાને સોનાના બિસ્કીટ સસ્તા ભાવે આપી અને એકના ત્રણ ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપી ઠગ ટોળકીએ 10 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના સામે આવી. હાલ અશોકભાઈની ફરિયાદને આધારે પોલીસે સાત જેટલા આરોપીની ધરપકડ કરી છે.
જો ઘટનાની વિગતે વાત કરીએ તો અશોકભાઈના પાનના ગલ્લા પર ભાવેશભાઇ પરમાર અને કમલેશભાઇ ઉર્ફે કમાભાઇ નામનાં બે વ્યક્તિઓની ઉઠક બેઠક હતી, જે બાદ તેમને બંને સાથે મિત્રતા થઈ હતી. એક દિવસ ભાવેશ તથા કમલેશે દુકાનદાર અશોકભાઈને ઓછા રૂપિયામાં સોનાના બિસ્કિટ આપવાની વાત કરી હતી. બાદમાં દુકાનદારે તેના કાકા રાજુભાઇ ડાંગરને વાત કરી હતી અને સસ્તા ભાવે સોનાના બિસ્કીટ લેવાનું નક્કી થયુ.
જો દુકાનદારનું માનીએ તો ભાવેશ અને કમલેશે તેના બીજા એક મિત્ર ઘનશ્યામ બદાણી સાથે તેઓની ફોન પર વાત કરાવી હતી. ઘનશ્યામાભાઇ બદાણીએ દુકાનદાર અને તેના કાકાને જણાવેલ કે તેની પાસે જી.એસ.ટી બીલ વગરના સોનાના બિસ્કિટ આવે છે અને મારી પાસેથી ઘણા સોની વેપારીઓ પણ સોનાના બિસ્કિટ લઇ જાય છે અને હું તેમને ઓછા રૂપિયામા સોનાના બિસ્કિટ આપુ છુ, જેથી તેઓ રાજી થયા.
આપને જણાવી દઈએ કે, ભાવેશ તથા કમલેશ બંને દુકાનદાર અશોક અને તેના કાકાને એક વખત સોનાના બિસ્કીટ લેવા ભાવનગરના જેસર ગામે બોલાવ્યા હતા. જ્યાં ભાવેશ અને કમલેશે દુકાનદાર પાસે રૂપિયા માંગ્યા પણ દુકાનદારે બિસ્કીટ આપવાનું કહેતા ભાવેશ અને કમલેશે જણાવ્યું કે તેનો માણસ બિસ્કીટ લઇને આવવાનો હતો તે આવ્યો નથી. જેથી પરત ઘરે મોકલી દીધા હતા અને બીજે દિવસે આવવા જણાવ્યુ હતુ. આટલુ જ નહીં ચાર નકલી પોલીસ બનીને 9 લાખ રૂપિયાની બેગ ઝૂંટવીને લઈ ગયા અને જો પાછળ આવશો તો મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. દુકાનદારની ફરિયાદને આધારે પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી બે કાર, 12 મોબાઈલ, બે નકલી હથિયાર અને 2.40 લાખ રોકડા કબ્જે કર્યા છે, ત્યારે આ ગુનામાં વધુ કોઈની સંડોવણી છે કે કેમ અને અગાઉ આ ટોળકી દ્વારા વધુ કોઈ ગુનાને અંજામ આપ્યા છે કે નહિ તે અંગે તપાસ હાથ ધરી છે.
Published On - 4:05 pm, Fri, 3 February 23