અમદાવાદમાં ફરી એક વખત આંગડિયા પેઢીનો કર્મચારી સાથે લુંટની ઘટના સામે આવી છે. બાઈક પર આવેલા લૂંટારુઓ ગણતરીની મિનિટોમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત 27 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા છે. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ છે. હાલ વાડજ પોલીસે આ મામલે ગુનો નોંધીને ટેક્નિકલ સર્વેલન્સ અને CCTVના આધારે આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
જો ઘટનાની વિગતે વાત કરીએ તો વાડજ વિસ્તારમાં આવેલ શ્રી રતન કૉમ્પ્લેક્સ નજીક પટેલ અમૃત ભાઈ કાંતિલાલ આંગડિયા પેઢીની ઓફિસમાંથી કર્મચારીઓ એક્ટિવા પર માણેકચોક પાર્સલ આપવા જાઈ રહ્યા હતા, ત્યારે બાઈક પર આવેલા બે લુટારુઓ તેમના હાથમાંથી 17 લાખના રોકડ,સોના ચાંદીના દાગીના ભરેલી બેગની ચિલ ઝડપ કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ વાડજ પોલીસને થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
મહત્વનું છે કે છેલ્લા 12 વર્ષથી પટેલ અમૃત કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારી ઠાકોર દેવાભાઇ કામ કરે છે. જ્યારે દેવાભાઇ ઠાકોર અને તેમના સહ કર્મચારી સાથે જ્યારે માણેકચોક તેમની મુખ્ય શાખામાં પાર્સલ આપવા જાઈ રહ્યા હતા. આ દરમિયાન કનુભાઈ પ્રજાપતિ તેમની ઓફિસ સામે આવેલા સોનલ પાન પાર્લર પર મસાલો લેવા ઉભા હતા અને ત્યારે દેવાભાઈ એક્ટિવા પર થેલો લઈને ઊભા હતા, ત્યારે બે બાઈક ચાલક આવ્યા અને સોના ચાંદીના દાગીના ભરેલી બેગ દેવા ભાઈના હાથમાંથી ઝુટવી ફરાર થઈ ગયા.
જો કે એક્ટિવાની ડેકીમાં બીજા 10 થી 12 લાખ રૂપિયા રોકડ હતા જે બચી ગયા હતા. બાદમાં આંગડિયા કર્માચારીએ આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
હાલ પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ત્રણ ટીમો એ તપાસ શરૂ કરી છે. પોલીસે CCTV ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરી છે. શહેરમાં 10 દિવસ પહેલા જમાલપુર ખાતે પણ આંગડિયા પેઢીના કર્મચારી સાથે 26 લાખની લુંટની ઘટના સામે આવી હતી. જેમાં પોલીસ હજી હવાતીયા મારી રહી છે ત્યારે વાડજમાં વધુ એક લુંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, ત્યારે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
Published On - 2:13 pm, Thu, 2 February 23