અમદાવાદનાં (Ahmedabad) મેઘાણીનગરમાં (Meghaninagar)નોંધાયેલી લૂંટ (Robbery)મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. મહત્વનું છે કે પેઢીમાં કામ કરતા કર્મચારી પાસેથી 9.85 લાખનાં દાગીના ભરેલી બેગ લૂંટી બે ઈસમો ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જોકે પોલીસની તપાસમાં લૂંટનું માત્ર તરકટ રચવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે. આંગડિયા પેઢીનાં કર્મીને દેવુ થઈ જતા મિત્ર સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો.
પોલીસની ગીરફ્તમાં આવેલા આરોપીઓના નામ છે લલીત નાગર અને અલ્પેશ રાઠોડ. આ બન્ને આરોપીઓએ ભેગા મળીને પોલીસને જ મૂંજવણમાં મુકી દીધા હતા. 25મી માર્ચે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આંગડિયા પેઢીમાં ડીલીવરી બોય તરીકે નોકરી કરતો લલીત નાગર પેઢીમાંથી સોનાના દાગીનાનાં પાર્સલો લઈને ગ્રાહકોને આપવા નીકળ્યો હતો, જેમાં સાંજનાં સમયે મેઘાણીનગર સૈજપુર ગરનાળા પાસે કિશોર સ્કુલ પહોંચતા બે ઈસમોએ લલીત રાઠોડની બાઈક રોકાવી 9.85 લાખની કિંમતનાં દાગીનાં ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ મેઘાણીનગરમાં નોંધાવી હતી. લૂંટની ફરિયાદ નોંધાતા જ મેઘાણીનગર પોલીસનો કાફલો દોડતો થયો હતો. અને આરોપીઓને પકડવા માટે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. જોકે ફરિયાદીએ આરોપીઓનો લૂંટ કરીને ભાગવાનો જે રૂટ બતાવ્યો તેમાં પોલીસને શંકા જતા ફરિયાદીની કડક પુછપરછ કરતા પોતે જ લૂંટનું તરક્ટ રચ્યું હોવાનું કબુલ્યુ હતું.
મેઘાણીનગર પોલીસે ફરિયાદીની ક્રોસ તપાસ કરતા તેણે પોતાના મિત્ર અલ્પેશ રાઠોડ સાથે મળીને આ લૂંટનો પ્લાન 15 દિવસ પહેલા બનાવ્યો હોવાનું ખુલ્યું હતું. ફરિયાદી અને આરોપી લલીત નાગર માણેકચોક ખાતે આવેલી ક્રીસ ગોલ્ડ નામની પેઢીમાં 5 વર્ષથી નોકરી કરે છે. જોકે તેને શેરબજારમાં દોઢ લાખ રૂપિયાનું દેવુ થઈ જતા આ જ આંગડિયા પેઢીમાં પહેલા નોકરી કરતા અલ્પેશ સાથે મળીને લૂંટની ખોટી ફરિયાદ કરી દાગીનાં બારોબાર વેંચીને શોર્ટકટમાં પૈસા કમાવવાનો પ્લાન બનાવ્યો હતો. ફરિયાદીએ પોતે જ દાગીનાં ભરેલુ પાર્સલ અલ્પેશને નરોડા બોલાવી આપી દીધું હતુ અને બાદમાં પોતે સૈજપુર ગરનાળા પાસે જઈને પોલીસ ફરિયાદ કરી હતી.
હાલ તો આ ગુનામાં પોલીસે ફરિયાદી અને તેના મિત્રની ધરપકડ કરી છે. ત્યારે બન્ને આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ અને અન્ય બાબતોની તપાસ કરવા માટે પોલીસે રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરી છે. આ ગુનામાં પોલીસે લૂંટનો તમામ મુદ્દામાલ અલ્પેશ રાઠોડ પાસેથી કબ્જે કરી અન્ય કોણ કોઇ વ્યક્તિ આ ગુનામાં સામેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Vadodara: સયાજી હોસ્પિટલમાં શ્રમિક પરિવારની મહિલાના ઓછા વજનવાળા બાળકની 62 દિવસ સુધી સારવાર કરી નવું જીવન આપ્યું
આ પણ વાંચો : સોમવારથી ધો.10-12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, 14.68 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા