પુષ્પા ફિલ્મની મોડ્સ ઓપરેન્ડીથી દારૂની હેરાફેરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. એસિડના ટેન્કરમાં છૂપું ખાનું બનાવીને વિદેશી દારૂની હેરાફેરી કરતા એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. રાજસ્થાનથી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાના કનેક્શનને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.
બાવળા પોલીસ પેટ્રોલીંગ અને વાહન ચેકીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક કથ્થાઈ રંગના ટેન્કરમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. જે બાતમીના આધારે સેક ટેન્કર પસાર થઈ રહ્યું હતું. પોલીસે ટેન્કરના આગળના અને પાછળના બોડીના ભાગે લોખંડના પાના વડે ટકોર મારી ચકાસતા અવાજમાં તફાવત આવ્યો હતો જેથી શકાસ્પદ લાગતા પોલીસે તપાસ કરી હતી. ટેન્કરમાંથી 5.50 લાખની કિંમતનું વિદેશી દારૂ સહિત 35.51 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. આરોપી ચાંદમલ મીણા એસિડના ટેન્કરમાંથી દારૂનો જથ્થો લઈને આવતા રંગે હાથે ઝડપાઇ ગયો છે.
પુષ્પા ફિલ્મની મોડ્સ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને બુટેલગર દારૂની હેરફેરી શરૂ કરી હતી. આ ફિલ્મમાં જે પ્રકારે ચંદનના લાકડાની તસ્કરી કરવા માટે દુધના ટેન્કરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આજ પ્રકારે બુટલેગરોએ દારૂની હેરાફેરી કરવા એસિડના ટેન્કરનો ઉપયોગ કર્યો હતો.
એસિડના ટેન્કરમાં ડ્રાઈવર સાઈડના આગળના ભાગે એક ધાતુની પ્લેટ ઉપર અંગ્રેજીમાં સલ્ફરીક એસીડ લખાણ લખેલ આ પ્લેટની બોર્ડર ઉપર લાલ કલરની રેડીયમ પટ્ટી મારેલી હતી. ટેન્કરની અંદર ધાતુની પ્લેટની બોર્ડર બનાવીને સ્ક્રૂ વડે ફીટ કરેલ હતી. જેમાં એક ભાગમાં વિદેશી દારૂ તો બીજા ભાગમાં એસિડ પ્રવાહી રાખવામાં આવે છે. જેથી દારૂની હેરાફેરી સરળતાથી કરી શકાય. આ ટેન્કર પર રાજસ્થાનથી વિદેશી દારૂ લઈને રાજકોટ આપવા જતો હોવાનું ખુલ્યું છે.
વિદેશી દારૂની હેરાફેરીમાં બુટલેગર હવે ફિલ્મોની મોડ્સ ઓપરેન્ડીનો ઉપયોગ કરી રહ્યા છે. અગાઉ બાઈક, એમ્બ્યુલન્સ, કાર અને બસમાં છુપા ખાના બનાવીને હેરાફેરી કરતા હતા. હવે ટેન્કરની આ નવી મોડ્સ ઓપરેન્ડી બાદ પોલીસે ચેકીંગ શરૂ કર્યું છે. પકડેલા આરોપીની પૂછપરછ કરીને દારૂની સપ્લાય કરનાર અને લેનારની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.