RTOની બનાવટી આરસી બુક બનાવી જૂની ગાડીઓનું વેચાણ કરતી આંતર રાજ્ય ગેંગનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. 8 બનાવટી આરસી બુક કબ્જે કરી 2 આરોપીઓની ધરપકડ કરતા ખુલાસો થયો કે જે કારની આરસી બુક ના હોય કે જે કાર પર લોન ચાલતી હોય તેવા વાહનોની વિગતો મેળવી આ શખ્સો 4 થી 5 હજારમાં બનાવટી આરસી બુક બનાવી આપતા હતા.
ક્રાઇમ બ્રાંચની ગિરફતમાં રહેલા બંને આરોપીઓના નામ છે ઈમરાન સૈયદ અને મોહમ્મદ અલી બુખારી. પકડાયેલા બંને શખ્સો મૂળ અમદાવાદના રહેવાસી છે. અને RTO માન્ય ગણાતી વાહનોની આરસી બુક બનાવટી બનાવવાનું કારખાનું ચલાવતા હતા. જોકે ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ હકીકત મળી હતી કે અમદાવાદના સુભાષ બ્રિજ આરટીઓ પાસે કેટલાક શખ્સો વાહનોની બનાવટી આરસી બુક બનાવી આપે છે. અને તેના બદલામાં ચાર થી પાંચ હજાર રૂપિયા વસૂલે છે. પરંતુ આ વાહનોની આરસી બુક અંગે આરટીઓમાં કરાવતા સામે આવ્યું કે આરસી બુકમાં બતાવેલા વાહનમાલિકોના નામ આરટીઓના ડેટા પ્રમાણે નહીં પરંતુ જુના વાહનો ખરીદી માલિકોના નામે બોલતા હતા. જેના આધારે પોલીસે તપાસ કરતા આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો હતો.
પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે પકડાયેલા બંને આરોપીઓ છેલ્લા ઘણા સમયથી એવા સંખ્યાબંધ વાહનોની આરસી બુક બનાવી વેચી હતી કે જે વાહન માલિકોને ઓરિજિનલ આરસીબુક ના મળી હોય કે પછી બેંક ફાયનાન્સથી વાહન લીધું હોય અને બેંકમાં વાહનોની ઓરીજીનલ આરસી બુક જમા હોય તેવા વાહનોની બનાવટી આરસી બુક બનાવી આપતા હતા. જેના માટે RTOમાં વાહન અંગેની તમામ વિગતો જાણી આરસીબુકમાં છાપેલી અસલ સ્માર્ટકાર્ડ મેળવી લઈ તેની વિગતો તેમાંથી થીનર વડે પૂછી નાખતા. બાદમાં એજ સ્માર્ટ કાર્ડ ઉપર નવા વાહન માલિકોના નામ સરનામાં સહિતની વિગતો છાપી દેતા.
જેને પગલે વાહન માલિકોને પોતાની પાસે ઓરીજીનલ આરસી બુક છે કે બનાવટી તે અંગેનો ખ્યાલ નહોતો પડતો. પરંતુ જ્યારે વાહન વેચવા જાય અથવા તો આરસી બુકનો આરટીઓમાં કોઈ કામ પડે ત્યારે અંદાજ આવતો કેક પોતાની પાસે આવેલી આરસીબુક બનાવટી છે. પકડાયેલા બંને આરોપીઓમાંથી ઇમરાન સૈયદ ડીલર પાસેથી એક આરસી બુક ના ત્રણ થી ચાર હજાર રૂપિયા વસૂલી અન્ય આરોપી મોહંમદઅલી બુખારી ને આપતો જેના બદલામાં મોહમ્મદ સૈયદ આરસી બુક માં પ્રિન્ટ કરી આપવાના હજારથી પંદરસો રૂપિયા પર વસુલતો હતો. એટલું જ નહીં પકડાયેલા આરોપી માંથી મોહમ્મદ અલી બુખારી તો વર્ષ 2010માં RTOની ડુપ્લિકેટ બનાવવા ના ગુનામાં પણ પકડાઈ ચૂકેલી છે.
હાલ તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બંને આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. ત્યારે આઠ જેટલા બનાવટી આરસીબુક પણ કબજે કરી છેલ્લા કેટલા સમયથી બનાવટી આરસીબુક બનાવવાનું નેટવર્ક ચલાવી રહ્યા હતા ? અને અત્યાર સુધીમાં આવા પ્રકારની કેટલી બનાવટી આરસી બુક બનાવેલી છે તે બાબતે પૂછપરછ શરૂ કરી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે પૂછપરછ બાદ આ આંતરરાજ્ય ગેંગ કોણ કોણ સંડોવાયેલું હોવાનું બહાર આવે છે.