વિદેશમાં દીકરીના લગ્ન કરાવવાની ઘેલછા અમદાવાદના (Ahmedabad) એક પરિવારને ભારે પડી છે. લગ્ન કરીને ફ્રાન્સ જનાર વસ્ત્રાલની એક યુવતીનું મોત નિપજ્યું છે. હવે પરિવારને એ વિશ્વાસ થઈ રહ્યો નથી કે તેની દીકરી આત્મહત્યા કરે. બીજી તરફ મૃતક યુવતીના સાસરીયાઓ ફ્રાન્સમાં (France) ફરાર છે. ત્યારે સવાલ થઈ રહ્યો છે કે યુવતીએ આત્મહત્યા (Suicide) કરી છે કે તેની હત્યા (Murder) કરવામાં આવી છે.
અમદાવાદની યુવતીનું ફ્રાન્સમાં મોત થયુ છે. ત્યારે યુવતીના સાસરીયાઓ સામે પરિવારજનોને આશંકા છે. ચોંધાર આંસુએ રડી રહેલી દીકરીની માતાની કમનસીબી એ છે કે તેમણે તેમની દીકરીનું બે મહિના અગાઉ ફ્રાન્સમાં મોત નિપજ્યું હતુ. છતાં હજુ સુધી તેઓ તેમના દીકરીને અંતિમ વાર જોઈ શક્યા નથી. વસ્ત્રાલના જનતાનગરમાં રહેતા આ પરિવારની દીકરી સાધનાનો મૃતદેહ ફ્રાન્સની નદીમાં મળી આવ્યો હતો.
મૃતદેહ મળી આવ્યા બાદ ફ્રાન્સથી યુવતીના પરિવારને એક ઈમેલ મોકલવામાં આવે છે કે તમારી દીકરીનું મોત નિપજ્યું છે, પોસ્ટમોર્ટમ થઈ ગયું છે. 500 યુરો ચૂકવી મૃતદેહ લઈ જાઓ. જો કે આ મામલે પરિવારને સાધનાના સાસરિયાઓ સામે આશંકા વ્યક્ત કરી છે.
સાધનાના લગ્ન થયા બાદ તે પતિ સાથે ફ્રાન્સ રહેવા ગઈ હતી. જે બાદથી જ તેની સાથે મારઝૂડ થઈ રહી હતી. આખરે તે ફ્રાન્સ શરણાર્થી શિબિરમાં રહેવા લાગી હતી. તો ત્યાં પણ તેને પરેશાન કરાતી હોવાનો આક્ષેપ કરાયો છે અને આખરે એક ઈમેલ આવે છે જેમાં સાધાનાની મોતના સમાચાર હોય છે. આખરે પરિવારે કાયદાકીય રીતે કાર્યવાહી કરતા પોલીસે હત્યા છે કે આત્મહત્યા તેની તપાસ શરૂ કરી છે.
હાલ તો અમદાવાદના રામોલમાં રહેતો આ પરિવાર તેમની દીકરીના મોતનું કારણ શું છે તે જાણવા વલખાં મારી રહ્યો છે. તો બીજી તરફ બહેનનો મૃતદેહ ભારત લઈ આવવા માટે પરિવારે સરકાર પાસે મદદની આશા રાખી છે. ત્યારે આ પરિવારને ક્યારે ન્યાય મળશે તે એક મોટો સવાલ છે.
Published On - 2:38 pm, Sat, 28 May 22