31 ડિસેમ્બર નજીક હોય ત્યારે દારૂની હેરાફેરી કરતા અનેક બુટલેગર ઝડપાયા. પરંતુ હવે તો પોલીસ કર્મચારી પણ બુટલેગર બનીને હેરાફેરી કરે છે. આવા જ એક પોલીસ કર્મચારીની પાલડી પોલીસે દારૂ સાથે ધરપકડ કરી. કોણ છે પોલીસ બુટલેગર જોઈએ.
પોલીસની નોકરી સાથે દારૂનો ધંધો, હેડ કોન્સ્ટેબલની કરાઈ ધરપકડ, દારૂનો જથ્થો પોલીસે કર્યો જપ્ત
ફોટોમાં જોવા મળતા આ શખ્સ પોલીસ હેડ કોન્સ્ટેબલ વસંત પરમાર છે. કાયદાનો રક્ષક જ કાયદાનો ભંગ કરીને દારૂની હેરાફેરી કરે છે. પાલડી પોલીસને બાતમી મળી હતી કે એક બુટલેગર દારૂનો જથ્થો લઈને પાલડી સુમેરુ ચાર રસ્તાથી પસાર થવાનો છે..બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આ દરમ્યાન એક શકાસ્પદ એક્ટિવા પસાર થતા પોલીસે ચેકીંગ કર્યું. તો દારૂના જથ્થા સાથે વસંત પરમાર ઝડપાયો. બુટલેગર સમજીને પૂછપરછ કરતા વસંત પરમાર પોલીસ કર્મચારી હોવાનું ખુલ્યું. પાલડી પોલીસે દારૂની હેરાફેરીને લઈને પોલીસ કર્મચારીની ધરપકડ કરી.
પોલીસ હેડ કોન્સ્ટેબલ વસંત પરમાર ટ્રાફિક વિભાગના ઇ ટ્રાફિક પોલીસ માં ફરજ બજાવે છે. છેલ્લા 25 વર્ષથી પોલીસ ખાતામાં ફરજ બજાવતા વસંત પરમારએ શોર્ટકટ માં પૈસા કમાવવા દારૂની હેરાફેરી શરૂ કરી. માતા ને હાર્ટની તકલીફ હોવાથી બીમારીનો ખર્ચ અને પરિવારનું ગુજરાન ચલાવવા વસંત પરમાર પોલીસ કર્મચારી ની સાથે બુટલેગર પર બન્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું. અસારવાથી દારૂનો જથ્થો લઈને આવતા પોલીસના હાથે જ ઝડપાઇ ગયો. પાલડી પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ અને એક્ટિવા સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી.
ગુજરાત માં દારૂ બંધીનો કાયદાનો ભંગ ખુદ કાયદાના રક્ષકે કર્યો. ત્યારે બુટલેગર અને પોલીસની સાંઠગાંઠ તો હવે સ્પષ્ટ થઈ ગઈ છે..આ કેસમાં પણ પોલીસ હેડ કોન્સ્ટેબલ વસંત પરમાર કોની પાસેથી દારૂ લઈને આવ્યો અને કોને આપવા જવાનો હતો. તે મુદ્દે પોલીસે પૂછપરછ શરુ કરી છે.
નોંધનીય છેકે ભલે રાજયમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોય, પણ એક ચોંકાવનારી વાત એ છેકે દારૂ, ચરસ અને ડ્રગ્સની હેરાફેરીમાં લેભાગું તત્વો મોટી કમાણી કરી લેતા હોય છે. જેનો લાભ કેટલાક ખાખીધારીઓ પણ લેતા હોય છે. જેનો આ કિસ્સો ઉદાહરણરૂપ બન્યો છે.
આ પણ વાંચો : Ahmedabad: રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટના અમલ અંગે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું