જો તમે કિંમતી સામાન બહાર લઈને નીકળતા હોવ તો જરા ધ્યાન રાખજો. કેમ કે અમદાવાદ (Ahmedabad)માં એક એવી ટોળકી સક્રિય થઈ છે જે પળવારમાં તમારો કિંમતી સામાન ચોરી (Theft) કરી રફુચક્કર થઈ શકે છે. અમદાવાદના ઓઢવના એક વેપારી સાથે પણ કઇક આવો જ બનાવ બન્યો છે. વેપારી કાલુપુરની એક બેંકમાં નાણાં ભરવા ગયા અને બહાર તેમના એક્ટિવામાં રહેલ3 6 લાખ રૂપિયાની કેટલાક લોકો ચોરી કરી ફરાર થઇ ગયા. વેપારીએ આ ઘટના અંગે કાલુપુર પોલીસ સ્ટેશનમાં (Kaluour Police Station) ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદમાં છેલ્લા થોડા દિવસથી ચોરીની ઘટનાઓ વધી છે. તેમાં પણ કારના કાચ તોડી ચોરી થવી અને એક્ટિવાની ડેકી તોડી ચોરી થવાની ઘટનામાં વધારો થયો છે. આવી જ એક ઘટના કાલુપુર રિલીફ રોડ પર યશ બેંક પાસે બની. જેમાં બેન્કમાં નાણાં ભરવા ગયેલા એક વેપારીના બેંક બહાર એક્ટિવામાં પડેલા 6 લાખ નાણાંની અજાણ્યા શખ્સો ડેકી તોડી ચોરી કરી ફરાર થઇ ગયા.આ ઘટનાની જાણ વેપારી પોતાની ઘરે પહોંચ્યા અને બાદમાં ડેકીમાં નાણાં ન મળ્યા ત્યારે થઇ. ભોગ બનનારે સ્થળ પર આવી તપાસ કરતા અને CCTV જોતા ખ્યાલ આવ્યો કે અજાણ્યા લોકો ડેકી તોડી ચોરી કરી તેમના નાણાં લઈ ગયા છે.
પોલીસ ફરિયાદ બાદ પોલીસને તપાસમાં જાણવા મળ્યુ કે પાલડીમાં રહેતા અને ઓઢવમા વરુણ ટી એન્ટરપ્રાઇઝથી ચા પત્તિનો વેપાર કરતા કેતન જૈન અને તેમનો મોટો ભાઈ રાહુલ જૈન નાણાંની ઉઘરાણી કરવા ઓઢવથી માધુપુર ગયા હતા. જે બાદ માધુપુરથી 6.90 લાખ લઈને તેઓ બેંકમાં 90 હજાર રૂપિયા જમા કરાવા ગયા હતા. બેન્ક પ્રોસેસમાં વાર લાગતા બહાર ઉભા રાખેલા ભાઇ રાહુલને અંદર બેંકમાં બોલાવી ભાઈ કેતન પોતે દેરાસરમાં દર્શન કરવા જાય છે. તે દરમિયાન બહાર પડેલા એક્ટિવામાં 6 લાખ રૂપિયાની ચોરી થઇ જાય છે. આ 6 લાખ રૂપિયા વેપારીને અન્ય જીગ્નેશભાઈ નામના વેપારીને પરત કરવાના હતા. આ ઘટના બનતા પોલીસને પણ આશંકા છે કે ઘટનામાં રેકી થઈ હોઇ શકે છે. તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
નોંધનીય છે કે કાલુપુરમાં બનાવ બન્યો એવો જ બનાવ થોડા દિવસ પહેલા બાપુનગર વિસ્તારમાં બન્યો. જેમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ પાસે મોબાઈલ ટાવર નજીક પાર્ક કરેલી એક્ટિવાની ડેકી તોડી બે વ્યક્તિ 3 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ સિવાય શહેરમાં કારના કાચ તોડી કિંમતી સામાન ચોરી થવાની પણ ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાઓ બતાવે કે શહેરમાં ચોરી કરતી વિવિધ ટોળકીઓ સક્રિય થઈ છે. જેને અંકુશમાં લાવવી જરૂરી છે. તેમજ લોકોએ પણ તેટલાજ જાગૃત બનવાની જરૂર છે. જેથી આ પ્રકારની ઘટનાઓ બનતી રોકી શકાય.
આ પણ વાંચો-
આ પણ વાંચો-