Lata Mangeshkar Health Update : લતા મંગેશકર (Lata Mangeshkar)છેલ્લા એક સપ્તાહથી હોસ્પિટલમાં દાખલ છે. લતા મંગેશકરના ચાહકો તે જલ્દી સ્વસ્થ થઈ ઘરે આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. આ દરમિયાન લતા મંગેશકરના સ્વાસ્થ્ય(Lata Mangeshkar Health Update)ને લઈને એક નવી માહિતી સામે આવી છે. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ(Breach Candy Hospital)માં દાખલ લતા મંગેશકરની તપાસ કરી રહેલા ડૉક્ટરોનું કહેવું છે કે, ઉંમર વધુ હોવાના કારણે પીઢ ગાયિકાને સ્વસ્થ થવામાં સમય લાગશે. તમને જણાવી દઈએ કે, લતા મંગેશકર કોવિડથી સંક્રમિત થયા બાદ તેમને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટર્સ તેમની સતત દેખરેખ રાખી રહ્યા છે.
લતા મંગેશકરની સારવાર ડૉ. પ્રતિમા સમદાની અને તેમની ટીમના નેતૃત્વમાં કરવામાં આવી રહી છે. ANIના અહેવાલ મુજબ, ભારત રત્ન લતા મંગેશકરના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતાં ડૉ.પ્રતીતે કહ્યું કે પીઢ ગાયિકા લતા મંગેશકર હજુ પણ ICUમાં છે અને અમે તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખીએ છીએ. વૃદ્ધાવસ્થાના કારણે તેમને સ્વસ્થ થવામાં સમય લાગશે.
કોવિડ પોઝિટિવ હોવા ઉપરાંત, લતા મંગેશકરને ન્યુમોનિયાની પણ ફરિયાદ હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આ પહેલીવાર નથી જ્યારે લતા મંગેશકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોય. લતા મંગેશકરને અગાઉ પણ ન્યુમોનિયા થયો હતો, જેના કારણે તેમને વર્ષ 2019માં પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
લતા મંગેશકરની તબિયતને લઈને તેમના પરિવારના સભ્યો અને ડૉક્ટરો તેમના ચાહકોને સતત માહિતી મોકલી રહ્યા છે. માત્ર તેના ચાહકો જ નહીં પરંતુ ઘણી હસ્તીઓ પણ લતા મંગેશકરના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી રહી છે. તાજેતરમાં, જ્યારે અમિતાભ બચ્ચનને લતા મંગેશકરની તબિયત વિશે ખબર પડી ત્યારે તેમણે પણ તેમના એક ટ્વિટ દ્વારા પીઢ ગાયિકાના સ્વસ્થ થવાની પ્રાર્થના કરી.
Published On - 9:55 am, Tue, 18 January 22