છોટાઉદેપુર : કોરોનાને કારણે પારંપરીક ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા, નાના વેપારીઓની હાલત કફોડી

|

Jan 17, 2022 | 7:44 PM

એક ગૃહ ઉદ્યોગ કરી રહ્યા છે અરવિંદ ભાઈ કે જેઓ તીર અને કમાન બનાવે છે અને હાટ બજાર, આદીવાસી સંમેલનો અને છૂટક વેચતા હોય છે પણ અરવિંદ ભાઈના આ ગૃહ ઉદ્યોગ પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.

Chhota udepur: છેલ્લા બે વર્ષથી કોરોના (Corona) મહામારીને લઈને ધંધા રોજગારો પર સીધી અસર પડી રહી છે. પારંપરીક નાના ગૃહ ઉદ્યોગથી (Traditional business)પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. જે કાઇ તેમની પાસે મૂડી હતી તે હવે બચી નથી. પાયમાલીને આરે આવેલા ગૃહ ઉદ્યોગના માલિકો અને કારીગરો હવે સરકારની મદદ ઈચ્છી રહ્યા છે.

કોરોના મહામારીને લઈ નાના ધંધા અને ગૃહ ઉદ્યોગ ચલાવતા લોકો પર સીધી અસર જોવાઈ રહી છે. માંડ માંડ પોતાનું અને તેમનાં કારીગરો ગુજરાન ચલાવતા આ લોકો પર ફરી કોરોનાની ત્રીજી લહેરે દસ્તક દેતા તંત્ર દ્રારા ફરી એકવાર કોરોના ગાઈડ લાઈનોની કડક રીતે અમલવારી કરવામાં આવી રહી છે. મેળાવડા અને ભીડ કરવા પર રોક લાગવવામાં આવતા નાના ધંધા વાળાઓ પોતે બનાવેલ માલ મેળાઓમાં વેચી શકતા નથી. આવો જ એક ગૃહ ઉદ્યોગ કરી રહ્યા છે અરવિંદ ભાઈ કે જેઓ તીર અને કમાન બનાવે છે અને હાટ બજાર, આદીવાસી સંમેલનો અને છૂટક વેચતા હોય છે પણ અરવિંદ ભાઈના આ ગૃહ ઉદ્યોગ પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.

સામાન્ય રીતે કોઈ પણ એક વખત એવું વિચારે કે તીર કમાનએ ફક્ત શિકારના કામમાં આવે છે પણ એવું નથી તીર અને કમાનએ આદિવાસી સમાજની સંસ્કૃતિનું પ્રતિક છે. તીર કમાન અંબાજીથી ઉમરગામ સુધીનો આદીવાસી સમાજનો જે પટ્ટો છે તે આદિવાસી પોતાના ઘરમાં અવશ્ય તીર કમાન રાખતા હોય છે. બાળકનો જન્મ થાય કે પછી મનુષ્યનું મરણ થાય ત્યારે પણ વિધિમાં અવશ્ય તીરને રાખવામાં આવે છે. લગ્ન પ્રસંગની વિધિમાં પણ તીરને મૂકવામાં આવે છે. તેમના વિસ્તારમાં કોઈ મહાનુભાવ આવે તો તેઓને તીર કમાનની ભેટ આપવામાં આવે છે. જે તીર કમાન કવાંટ તાલુકાના રૂમડિયા ગામે અરવિંદ ભાઈ બનાવી રહ્યાં છે તેઓની કોરોનાની ત્રીજી દસ્તકને લઈ કફોડી હાલત બનવા પામી છે.

છેલ્લા બે વર્ષથી તીર કમાન ધંધો અરવિંદ ભાઈ રાઠવા કરી રહ્યાં છે. કોરોના મહામારીને લઈ અરવિંદભાઈ હાટ બજારમાં જઈ શકતા ન હોવાથી ખાસ વેચાણ થતું નથી. જેને લઈ તેઓને આર્થિક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અરવિંદભાઈને હતું કે કોરોનાનો અંત આવી ગયો છે તેમ માની ફરી તીર કમાન બનાવવાના કામમાં લાગી ગયા. દૂરદૂરથી વાસને કાપી લાવી તેને પોતાની આવડત વડે બનાવતા અને તેને સુશોભિત બનાવવા તેના પર રંગબેરંગી શણગાર કરતા અરવિંદ ભાઈના આ ગૃહ ઉદ્યોગમાં તેમની મદદ માટે કારીગર રાખતા. પરંતુ હાલની સ્થિતિમાં અરવિંદ ભાઈએ બનાવેલ 600 જેટલા તીર કમાન ઘરે પડી રહ્યા છે.

અરવિંદભાઈનું કહેવું છે રાજસ્થાનમાં 15-16-17 જાન્યુઆરીના રોજ આદીજાતિ સમાજનું મહાસંમેલન યોજાનાર હતું. જ્યાં તેમણે બનાવેલ તીર કમાન વેચાણ માટે મુકવાના હતા. પણ કોરોનાની મહામારીને લઈને સંમેલન રદ કરવામાં આવ્યું છે. જેને લઈ અરવિંદ ભાઈના માથે આભ ફાટયું છે. અને આર્થિક મુશ્કેલીમાં તેઓ પડી ગયા છે . તેમણે બનાવેલ કેટલાક તીર કમાન તેઓ પડતર અને ખોટમાં પણ વેચી રહ્યા છે .આ સ્થિતિમાં સરકાર તેમણે મદદ કરે તેવું ઇચ્છી રહ્યા છે.

નાના ધંધા કરીને છેલ્લા બે વર્ષથી આર્થિક મુશ્કેલી વેઠીને પણ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા લોકોને ફરી કોરોનાનો ડર લાગી રહ્યો છે કેમ કરીને પોતાનું તથા પોતાના કારીગરોનું ગુજરાન ચલાવશે તે એક તેમના માટે સવાલ આવીને ઊભો છે. ત્યારે આવા લોકો સરકારની હવે મદદ ઈચ્છી રહ્યા છે.

 

Next Video