યુક્રેનમાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓની સમસ્યાઓ ચાલુ છે. તે જ સમયે, હવે રશિયાની ઘણી યુનિવર્સિટીઓ (Russia Universities) વિદ્યાર્થીઓને તેમનો તબીબી અભ્યાસ પૂર્ણ કરવામાં મદદ કરવા આગળ આવી છે. સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) છેલ્લી સુનાવણીમાં ભારત સરકારે કહ્યું હતું કે, યુક્રેનના આ ભારતીય વિદ્યાર્થીઓનો મામલો વિચારણા હેઠળ છે. યુક્રેનમાં લગભગ 20 હજાર ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. ફેબ્રુઆરીમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી આ વિદ્યાર્થીઓ તેમના ભવિષ્યને લઈને અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે. અભ્યાસ પૂરો ન થવાના કારણે વિદ્યાર્થીઓ પર પણ દબાણ રહે છે.
ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, રશિયન યુનિવર્સિટીઓ હવે તેને તેનો મેડિકલ અભ્યાસ પૂર્ણ કરવામાં મદદ કરવા માટે પ્રવેશ ઓફર કરી રહી છે. દિલ્હીમાં ‘રશિયન એજ્યુકેશન ફેર 2022’ શરૂ થઈ ગયો છે. અહીં રશિયન હાઉસે યુક્રેનમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ આપવા માટે હેલ્પ ડેસ્કની સ્થાપના કરી છે. રશિયન દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશન રોમન બાબુશકિને જૂનમાં કહ્યું હતું કે, રશિયા યુક્રેનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને ત્યાં અભ્યાસ કરવાની મંજૂરી આપશે. હવે આનો અમલ કરવામાં આવી રહ્યો છે.
યુક્રેનમાં અભ્યાસ કરતાં ભારતીય તબીબી વિદ્યાર્થીઓને મદદ કરવા માટે રશિયન યુનિવર્સિટીઓ અને તેમના પ્રતિનિધિઓએ નવી દિલ્હીમાં રશિયન હાઉસ ખાતે હેલ્પ ડેસ્કની સ્થાપના કરી છે. આ યુનિવર્સિટીઓ ભારતીય તબીબી વિદ્યાર્થીઓના વિશેષ કેસ માટે ટ્યુશન ફી અને હોસ્ટેલ ફીમાં વિશેષ છૂટ પણ આપી રહી છે. દર વર્ષે હજારો ભારતીય વિદ્યાર્થીઓ દવા અને અન્ય વિશિષ્ટ અભ્યાસક્રમોનો અભ્યાસ કરવા માટે રશિયા જાય છે. મોટી સંખ્યામાં ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ પણ મેડિસિનનો અભ્યાસ કરવા માટે યુક્રેન જાય છે. બંને દેશો વચ્ચેના યુદ્ધે 20,000 વિદ્યાર્થીઓના ભવિષ્યને અનિશ્ચિતતામાં ધકેલી દીધું છે.
આ વિદ્યાર્થીઓને કેવી રીતે મદદ કરવી તે અંગે ભારત સરકાર અને નેશનલ મેડિકલ કમિશન હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી. જો કે, રશિયાએ તેને આગળના અભ્યાસ માટે એડમિશન આપવાની ઓફર મોટી રાહત છે. રશિયન હાઉસના ડિરેક્ટર ઓસિપોવ ઓલેગે કહ્યું, “ભારત અને રશિયાના સંબંધો ખૂબ જ મજબૂત છે અને અમે તે મેડિકલ વિદ્યાર્થીઓના ડરને સમજીએ છીએ. અમે રશિયન યુનિવર્સિટીઓમાં તમામ વિદ્યાર્થીઓને માપદંડ અનુસાર પ્રવેશ આપવાનો પ્રયાસ કરીશું.