
સરકારી ઓઇલ કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) માં ટ્રેનિંગ મેળવવા ઇચ્છતા યુવાનો માટે ઉત્તમ તક સામે આવી છે. કંપનીએ એપ્રેન્ટિસની 3047 જગ્યાઓ ભરવા માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ ભરતી માટે 10 પાસ, ITI, ડિપ્લોમા અને સ્નાતક (ગ્રેજ્યુએટ) ઉમેદવારો પોતાની શૈક્ષણિક લાયકાત મુજબ અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને ઇચ્છુક ઉમેદવારો 20 નવેમ્બર 2026 સુધી પોતાનું ફોર્મ ભરી શકે છે.
ONGC ની આ ભરતી અંતર્ગત દેશભરના વિવિધ કેન્દ્રો પર એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં દહેરાદૂન, દિલ્હી, જોધપુર, ગોવા, હજીરા (ગુજરાત), મુંબઈ, ઉરણ અને પનવેલ જેવા સ્થળો સામેલ છે. આ ભરતી એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ કરવામાં આવી રહી છે. ઉમેદવારોએ ખાસ નોંધ લેવી કે આ માત્ર 12 મહિનાનો ટ્રેનિંગ કાર્યક્રમ છે, કાયમી સરકારી નોકરી નથી. ભરતી સંબંધિત જાહેરાત ક્રમાંક ONGC/APPR/1/2026 છે.
આ ભરતીમાં 10 પાસથી લઈને ITI, ડિપ્લોમા અને ડિગ્રી ધારકોને તક આપવામાં આવી છે. જોકે દરેક ટ્રેડ માટે શૈક્ષણિક લાયકાત અલગ-અલગ નક્કી કરવામાં આવી છે, તેથી અરજી કરતાં પહેલાં ઓફિશિયલ નોટિફિકેશનમાં ટ્રેડ અનુસાર લાયકાત તપાસવી જરૂરી છે.
આ ઉપરાંત ઉમેદવાર જે-તે સંબંધિત પાત્ર જિલ્લાનો સ્થાનિક રહેવાસી હોવો અથવા ત્યાંથી અભ્યાસ કરેલો હોવો જરૂરી છે.
પસંદગી પામેલા ઉમેદવારોને ટ્રેડ અને શૈક્ષણિક લાયકાતના આધારે દર મહિને ₹8,200 થી ₹12,300 સુધીનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. તમામ ટ્રેડ માટે એપ્રેન્ટિસશિપની મુદત 12 મહિનાની રહેશે. અગાઉ ક્યાંય પણ એપ્રેન્ટિસશિપ કરી ચૂક્યા હોય અથવા એક વર્ષ કે તેથી વધુનો કાર્ય અનુભવ ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે પાત્ર ગણાશે નહીં.
ONGC ની આ ભરતીમાં કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાતમાં મેળવેલા ગુણના આધારે સીધું મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. જો બે ઉમેદવારોના ગુણ સમાન હશે, તો વધુ ઉંમર ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા અપાશે. આ ભરતીનું પરિણામ 15 ડિસેમ્બર 2026 ના રોજ જાહેર કરવામાં આવશે.
ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન પોર્ટલ પર જઈને નોંધણી કરાવવાની રહેશે. NAPS હેઠળ આવતા ટ્રેડ માટે apprenticeshipindia.gov.in અને NATS હેઠળ આવતા ટ્રેડ માટે nats.education.gov.in પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. અરજી કરતી વખતે જન્મ તારીખનું પ્રમાણપત્ર, માર્કશીટ, ડિગ્રી કે ITI સર્ટિફિકેટ, જાતિ પ્રમાણપત્ર, દિવ્યાંગતા સર્ટિફિકેટ (જો લાગુ પડતું હોય) અને માન્ય ઓળખપત્ર તૈયાર રાખવા જરૂરી છે.