ગુજરાતમાં CM રૂપાણીએ રોજગારલક્ષી ઓનલાઈન કોલ સેન્ટર કર્યું લોન્ચ

ગુજરાતના મુખ્યાપ્રધાન વિજય રૂપાણી(CM Rupani)એ સ્વામી વિવેકાનંદ જ્યંતિ રાષ્ટ્રીય યુવા દિવસે રાજ્યના રોજગાર વાંચ્છુક યુવાઓ માટે રોજગારલક્ષી ઓનલાઈન કોલ સેન્ટર ‘રોજગાર સેતુ’નો પ્રારંભ કરાવ્યો હતો.

ગુજરાતમાં CM રૂપાણીએ રોજગારલક્ષી ઓનલાઈન કોલ સેન્ટર કર્યું લોન્ચ
| Edited By: | Updated on: Jan 13, 2021 | 6:22 PM

ગુજરાતના મુખ્યાપ્રધાન વિજય રૂપાણી(CM Rupani)એ સ્વામી વિવેકાનંદ જ્યંતિ રાષ્ટ્રીય યુવા દિવસે રાજ્યના રોજગાર વાંચ્છુક યુવાઓ માટે રોજગારલક્ષી ઓનલાઈન કોલ સેન્ટર ‘રોજગાર સેતુ’નો પ્રારંભ કરાવ્યો હતો. દેશભરમાં ગુજરાતની આ નવતર પહેલમાં રાજ્યનો કોઈ પણ યુવાન આ કોલ સેન્ટરનો એક કોલ નંબર 63-57-390-390 ડાયલ કરીને રાજ્યના કોઈપણ જિલ્લાની અભ્યાસલક્ષી, રોજગારલક્ષી અને સરકારની યુવાલક્ષી સહિતની યોજનાઓની માહિતી મેળવી શકશે.

 

રાજ્યના શ્રમ રોજગાર વિભાગના રોજગાર તાલીમ નિયામક કચેરી દ્વારા આ નવતર પહેલ સાથે મુખ્યમંત્રીએ ઓનલાઈન ભરતી મેળા પખવાડીયું (12 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી)નો પણ પ્રારંભ કરાવ્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘હર હાથ કો કામ હર ખેતકો પાની’નું સૂત્ર સાકાર કરીને દરેક વ્યક્તિને યોગ્ય કામ મળે અને તેના થકી જીડીપી વધે તે દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. દરેક યુવાનોને રોજગારી પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી આપણે 12મી જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી ઓનલાઈન ભરતીમેળા પખવાડિયાનું આયોજન કર્યું છે એમ તેમણે ઉમેર્યું હતું. આ ઓનલાઈન ભરતી મેળામાં 25,000 જેટલા યુવાનોને રોજગારીનો અવસર પ્રાપ્ત થશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

 

મુખ્યમંત્રીએ  જણાવ્યું કે પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતનો જે કોલ આપ્યો છે, તેને સાકાર કરવા આવા રોજગાર મેળાનું આયોજન કરીને તેમજ યુવાનોને જોબ સિકર નહીં જોબ ગિવર બનાવવાની આપણી નેમ છે. ‘‘અમારે મન યુવા એ ન્યૂ એઈજડ વોટર નહીં, પરંતુ ન્યૂ એઈજડ પાવર છે’’. યુવાઓની શક્તિ પર નવા ભારતનું નિર્માણ કરવું છે. એટલા માટે રાષ્ટ્રીય યુવા દિવસથી આ અભિયાનની શરૂઆત કરીને યુવા પેઢીને રોજગાર અવસરથી સજ્જ કરી તેને એમ્પાવર્ડ-સશક્ત બનાવવાની દિશા લીધી છે.

 

શ્રમ અને રોજગાર મંત્રી  દિલીપ ઠાકોરે જણાવ્યું કે, રોજગાર સેતુ  પ્રોજેક્ટની વિશેષતા એ છે કે, દેશમાં પ્રથમવાર રોજગાર સેતુ-કોલ સેન્ટરના માધ્યમથી જિલ્લા રોજગાર કચેરી સાથે ઉમેદવાર સીધો સંવાદ કરશે.આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, રાજ્યનો કોઈપણ ઉમેદવાર એક સિંગલ નંબર 63-57-390-390 ડાયલ કરતાની સાથે જ માહિતી મેળવી શકશે. એટલું જ નહીં કોલ સમાપ્ત થયા બાદ એસ.એમ.એસના માધ્યમથી રોજગાર કચેરીની વિગતો પણ ઉમેદવારને મોકલવામાં આવશે. રોજગાર તાલીમ નિયામક આલોક પાંડેએ મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન દ્વારા નવી યોજનાઓની વિગતવાર માહિતી આપી હતી. મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ એપ્રન્ટિસશીપ યોજનાની પુસ્તીકાનું વિમોચન પણ કર્યું હતું.

 

આ પણ વાંચો: 14 જાન્યુઆરીએ સમાપ્ત થશે કમુહૂર્તા, પરંતુ નહીં શરૂ થાય માંગલિક કાર્યો! જાણો કેમ