કેન્દ્રીય વિભાગોમાં ભરતી ( Govt Recruitment) હવે કોમન એલિજિબિલિટી ટેસ્ટ (CET) દ્વારા કરવામાં આવશે. ગ્રુપ ‘B’ અને ગ્રુપ ‘C’ની જગ્યાઓ આ પરીક્ષા દ્વારા ભરવામાં આવશે. CET પરીક્ષા નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી દ્વારા લેવામાં આવશે. CET પરીક્ષા વર્ષ 2024 માં શરૂ થઈ શકે છે. સ્નાતક સ્તરની CET પરીક્ષા મે-જૂન 2024માં લેવામાં આવી શકે છે.
આ પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવશે. તેનું સ્કોરકાર્ડ 3 વર્ષ માટે માન્ય રહેશે. CETની પરીક્ષા દેશભરના 117 જિલ્લાના 1000થી વધુ કેન્દ્રો પર લેવામાં આવશે. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, કેન્દ્રીય વિભાગો ઉપરાંત, કેન્દ્રીય કંપનીઓ, રાજ્ય સરકારો અને ખાનગી ક્ષેત્રો પણ CET સ્કોર કાર્ડના આધારે ભરતી કરી શકે છે.
અત્યાર સુધી કેન્દ્રીય વિભાગોમાં ગ્રુપ ‘B’ અને ગ્રુપ ‘C’ પોસ્ટ્સ પર ભરતી વિભાગ મુજબ કરવામાં આવે છે. જેમ રેલવે ભરતી બોર્ડ રેલવેમાં ભરતી માટે પરીક્ષાનું આયોજન કરે છે. તેમ IBPS બેંકમાં ભરતી માટે પરીક્ષાનું આયોજન કરે છે. સ્ટાફ સિલેકશન કમિશન પણ આ જગ્યાઓ પર ભરતી માટે પરીક્ષાનું આયોજન કરે છે.
CET પરીક્ષાનો અભ્યાસક્રમ અને પરીક્ષા ફી નક્કી કરવા માટે નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. પરીક્ષાને લગતા તમામ મુદ્દાઓ જેમ કે નોર્મલાઇઝેશન વગેરે પર સમિતિનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, CET પરીક્ષા માટેનો અભ્યાસક્રમ ટૂંક સમયમાં જ જાહેર થઈ શકે છે. સમિતિએ આ પરીક્ષાને ગ્રેજ્યુએશન સ્તરની CETથી શરૂ કરવાની ભલામણ કરી છે.
નિષ્ણાતોના મતે, તેનાથી ભરતી પ્રક્રિયા ઓછા સમયમાં સરળતાથી પૂર્ણ થઈ શકશે. એક ભરતી અને બીજી ભરતી વચ્ચેનું અંતર ઘટશે. કેન્દ્ર સરકાર દ્વારા 2020માં નેશનલ રિક્રુટમેન્ટ એજન્સીની રચના કરવામાં આવી હતી.