Gujarati NewsCareerClass III Exam New Rules announced for the recruitment exam of Head Clerk, Senior Clerk and Junior Clerk
Class III Exam New Rules : હેડ ક્લાર્ક, સિનિયર કલાર્ક તેમજ જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા માટે નવા નિયમ જાહેર, જાણો નવા નિયમો
પ્રાથમિક પરીક્ષા એલિમિનેશન પ્રકારની પરીક્ષા રહેશે અને પ્રિલિમિનરી પરીક્ષાના ગુણના આધારે જાહેરાત મુજબની જગ્યાઓના 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે પસંદ કરવામાં આવશે.
Follow us on
ગુજરાત (Gujarat) સરકારે વર્ગ 3ની ભરતી (class 3 Recruitment) માટે નવા નિયમો જાહેર કર્યા છે. સરકારી વર્ગ 3ની ભરતી પરીક્ષા પદ્ધતિમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે હેડ ક્લાર્ક, સિનિયર કલાર્ક તેમજ જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા માટેના નવા નિયમોની જાહેરાત કરી છે. આ પરીક્ષાના નવા નિયમો નીચે મુજબ છે.
આ છે પરીક્ષાના નવા નિયમો
બે તબક્કામાં યોજાશે પરીક્ષા : પ્રથમ તબક્કો પ્રાથમિક પરીક્ષાનો અને દ્વિતીય તબક્કો મુખ્ય પરીક્ષાનો રહેશે.
પ્રાથમિક પરીક્ષા એલિમિનેશન પ્રકારની પરીક્ષા રહેશે અને પ્રિલિમિનરી પરીક્ષાના ગુણના આધારે જાહેરાત મુજબની જગ્યાઓના 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે પસંદ કરવામાં આવશે.
જે તે સંવર્ગ અને કચેરીની પસંદગી મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણને ધ્યાનમાં રાખતા મેરીટ કમ પ્રેફરન્સના આધારે થશે.
પરીક્ષા પદ્ધતિને અનુલક્ષીને ક્લાર્ક સંવર્ગને મુખ્ય બે જૂથમાં વહેંચવામાં આવ્યા છે. ગ્રુપ–એમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, સચિવાલય સંવર્ગના ઓફિસ આસીસ્ટન્ટ અને જિલ્લા કલેક્ટરની કચેરી ખાતેના જુનિયર ક્લાર્કનો સમાવેશ થાય છે.
ગ્રુપ-બીમાં જિલ્લા કલેક્ટરશ્રી કચેરી સિવાયના ખાતાના વડાની કચેરીના જુનિયર કારકૂનનો સમાવેશ થાય છે.
ઉપર સૂચિત પાંચ સંવર્ગો માટે ઉમેદવારે એક જ અરજી કરવાની રહેશે.
ઉમેદવાર ગ્રુપ-એ અથવા ગ્રુપ-બી અથવા બંને ગ્રુપ માટે ઉમેદવારી નોંધાવી શકે છે.
તમામ ઉમેદવારોએ પરીક્ષા ફોર્મની સાથે સરકારે નિયત કરેલી ફી ભરવાની રહેશે અને જે ઉમેદવાર પરીક્ષામાં હાજર રહેશે તેને તેની ભરેલી ફી પરત કરવામાં આવશે.
પ્રાથમિક પરીક્ષા 100 હેતુલક્ષી પ્રશ્નો ધરાવતી 100 ગુણની અને એક કલાકની રહેશે.
ગ્રુપ એ અને ગ્રુપ બી માટે અલાયદુ મેરીટ બનશે અને પ્રત્યેક ગ્રુપમાં રહેલ સંવર્ગોની કુલ જગ્યાના આશરે 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે પસંદ કરવામાં આવશે.
ગ્રુપ એ માટે મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક પ્રકારની રહેશે જેમાં ત્રણ પ્રશ્નપત્રોનો સમાવેશ થશે. ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું પ્રશ્નપત્ર ત્રણ કલાકનું અને 100 ગુણનું રહેશે, જ્યારે સામાન્ય અભ્યાસનું પ્રશ્નપત્ર 150 ગુણનું અને ત્રણ કલાકનું રહેશે. આમ, કુલ 350 ગુણની પરીક્ષા રહેશે.
ગ્રુપ બી માટે મુખ્ય પરીક્ષા 200 હેતુલક્ષી પ્રશ્નો ધરાવતી 200 ગુણની અને બે કલાકની રહેશે.
પ્રત્યેક ગ્રુપમાં રહેલ સંવર્ગોની કુલ જગ્યાના આશરે 2 ગણા ઉમેદવારોને મેરીટ મુજબ પ્રમાણપત્ર ચકાસણી માટે માટે પસંદ કરવામાં આવશે ત્યારબાદ મેરીટ આધારિત લાયક ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધ થશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સુચના અનુસાર ઉમેદવારો જગ્યા માટે તેમની પસંદગી ઓનલાઇન આપી શકશે અથવા મંડળ ખાતે મેરીટ મુજબ રૂબરૂ હાજર રહીને તેમને ઉપલબ્ધ જગ્યાઓ પૈકી પસંદગી કરીને જે તે જગ્યા/કચેરી/સંવર્ગની ફાળવણી મેળવી શકશે.
મંડળ દ્વારા ફાળવણી થયેલ ઉમેદવારોની જે તે કચેરી અને મહેસૂલ વિભાગને ભલામણ કરવામાં આવશે.
ગ્રુપ – એ માં સમાવેશ થયેલ જિલ્લા કલેક્ટરની કચેરી ખાતેના જુનીયર કારકૂન સંવર્ગમાં ઉમેદવારી નોંધાવતા ઉમેદવારોએ મહત્તમ ત્રણ જિલ્લા અંગેની પસદંગી આપવાની રહેશે.
મહેસૂલ વિભાગ ખાતે પસંદગી પામતા અને ભલામણ કરાયેલ ઉમેદવારોને જિલ્લા ફાળવણી મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારને પોતાની પસંદગીના ત્રણ જિલ્લામાં જો મેરિટ અનુસાર પસંદગી ન મળે તો જિલ્લા પસંદગીની પ્રક્રીયા પૂર્ણ થયેથી ખાલી જગ્યાઓના આધારે જિલ્લાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવશે અને બાકી રહેલ ઉમેદવારોને જિલ્લાની ફાળવણી કરવામાં આવશે.
પ્રિલિમિનરી એક્ઝામિનેશન એલીમીનેશન ટેસ્ટ હોવાથી તેના ગુણ મેરીટમાં ન ગણાતા હોવાના કારણે ગેરરીતીને નિયંત્રણમાં રાખી શકાશે.
દ્વિતીય સ્તરની મુખ્ય પરીક્ષા માટે જાહેરાતની કુલ જગ્યાના આશરે સાત ગણા ઉમેદવારો પાત્ર બનતા હોવાથી, નિયંત્રિત સંખ્યા સાથે વધુ સઘન નિયંત્રણ અને ઇચ્છિત સુરક્ષા માપદંડ સાથે પરીક્ષાનું આયોજન શક્ય બનશે.
તમામ ઉમેદવારો માટે ફી રાખવામાં આવેલ છે અને જે ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહેશે તે ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે. આમ, પરીક્ષા પ્રત્યે ગંભીરતા ધરાવતા ઉમેદવારો ઉમેદવારી કરશે જેથી યોગ્ય સ્પર્ધાત્મક વાતાવરણ રચાશે.
ગ્રુપ – એ માં સમાવિષ્ટ સંવર્ગો માટે વર્ણનાત્મક ઢબની પરીક્ષા હોવાના કારણે રાજ્ય સરકારને ઉચ્ચ ગુણવત્તા ધરાવતો વર્ગ-3 નો સ્ટાફ મળી રહેશે.
સૂચિત દ્વિ-સ્તરીય પરીક્ષા પધ્ધતિ મુજબ એક જ પરીક્ષા અંતર્ગત ઉક્ત વહીવટી સંવર્ગોની ભરતી પ્રક્રિયા સંપન્ન થતી હોવાથી હાલની ભરતી પ્રક્રિયાની સમસ્યાઓ અને મર્યાદાઓનો ઉકેલ લાવી શકાય છે અને સુદ્રઢ પરીક્ષા પધ્ધતિથી સમયસર, સઘન અને મર્યાદીત ખર્ચ સાથેની ભરતી પ્રક્રિયા આયોજીત કરી શકાય છે.નોકરી વીડિયો અને કરિયર સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો