ટ્વિટર-મેટા પછી હવે એમેઝોન પણ કરશે છટણી, 10000 કર્મચારીઓની જશે નોકરી

છટણીની જાહેરાત બાદ કંપનીના શેરમાં પણ ઘટાડો નોંધાયો છે. કંપનીએ તેના લગભગ 40 ટકા શેર ગુમાવ્યા છે.

ટ્વિટર-મેટા પછી હવે એમેઝોન પણ કરશે છટણી, 10000 કર્મચારીઓની જશે નોકરી
Amazon to lay off 10,000 employees
| Edited By: | Updated on: Nov 15, 2022 | 6:49 AM

એમેઝોન હજારો કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપનીના છેલ્લા કેટલાક મહિનાઓ નફાકારક રહ્યા નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની ખર્ચ ઘટાડવાના કેટલાક પગલાં પણ લાગુ કરી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કંપની આ અઠવાડિયાની શરૂઆતમાં 10,000 થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે. જો નોકરીમાંથી કાઢી મુકવામાં આવનારા કર્મચારીઓની સંખ્યા 10,000 થી વધુ રહે છે, તો એમેઝોનના ઈતિહાસમાં આ પ્રથમ વખત હશે, જ્યારે આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓને હાંકી કાઢવામાં આવશે.

એમેઝોનના વિશ્વભરમાં 1.6 મિલિયન કર્મચારીઓ છે અને જો 10,000 છટણી કરવામાં આવે તો તે કંપનીના કુલ કર્મચારીઓના 1 ટકા પણ નહીં હોય. મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે છટણી એમેઝોનના ઉપકરણ આધારિત યુનિટમા હશે, જેમાં વૉઇસ-સહાયક એલેક્સા અને તેના રિટેલ અને માનવ સંસાધન વિભાગો છે. મીડિયા અહેવાલો અનુસાર, એમેઝોને, એક મહિનાની લાંબી સમીક્ષા પછી, કેટલાક બિનલાભકારી એકમોના કર્મચારીઓને કંપનીમાં અન્ય તકો શોધવા માટે ચેતવણી આપી હતી.

કંપનીને થઈ શકે છે નુકસાન

અહેવાલ જણાવે છે કે એમેઝોન તેના એલેક્સા વ્યવસાયનું નજીકથી મૂલ્યાંકન કરી રહ્યું છે અને કંપનીએ વૉઇસ સહાયકમાં નવી ક્ષમતાઓ ઉમેરવાના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે કેમ તે જોઈ રહ્યું છે. ઈ-કોમર્સ જાયન્ટનો આ રિપોર્ટ કંપનીએ ચેતવણી આપ્યા બાદ આવ્યો છે કે તહેવારોની સિઝનમાં કંપનીનો નફો ઘટી શકે છે. સામાન્ય રીતે આ સિઝનમાં, કંપની બમ્પર વેચાણ કરતી હતી, જેમાં ઘટાડો થવાની ધારણા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીના વેચાણમાં આ ઘટાડો કિંમતોમાં વધારાને કારણે થયો છે.

ટ્વિટર, મેટાએ પણ છૂટા કર્યા કર્મચારીઓ

છટણીની જાહેરાત બાદ કંપનીના શેરમાં પણ ઘટાડો નોંધાયો છે. કંપનીએ તેના લગભગ 40 ટકા શેર ગુમાવ્યા છે. કંપનીનો શેર 2.4 ટકાના ઘટાડા સાથે $98.38 પર ટ્રેડ થઈ રહ્યો હતો. એમેઝોન સંભવિત આર્થિક મંદી વચ્ચે છટણીની જાહેરાત કરનાર પ્રથમ કંપની નથી. અગાઉ, એલોન મસ્કે ટ્વિટરને ટેકઓવર કર્યા પછી કંપનીના કર્મચારીઓમાં 50 ટકાનો ઘટાડો કર્યો હતો. આ સાથે જ ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ પણ 11000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.