Wheat Price: ચોખા બાદ હવે ઘઉં પર મોંઘવારીનો માર, એક કિલો પર ખર્ચવા પડશે આટલા રૂપિયા

હવે મોંઘવારીની અસર ઘઉં પર પણ જોવા મળી રહી છે. દેશમાં ઘઉંના ભાવ 6 મહિનાની ટોચે પહોંચી ગયા છે. અનાજ ડીલરોના જણાવ્યા અનુસાર, તહેવારોની મોસમ પહેલા ઓછા પુરવઠો અને વધારે માગને કારણે મંગળવારે ભારતીય ઘઉંના ભાવ વધ્યા છે.

Wheat Price: ચોખા બાદ હવે ઘઉં પર મોંઘવારીનો માર, એક કિલો પર ખર્ચવા પડશે આટલા રૂપિયા
Wheat Price
| Edited By: | Updated on: Aug 08, 2023 | 7:40 PM

દેશમાં ચોખાના ભાવ (Rice Price) આસમાને છે. તેને નિયંત્રિત કરવા માટે સરકારે ચોખાની કેટલીક જાતોની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે મોંઘવારીની અસર ઘઉં પર પણ જોવા મળી રહી છે. દેશમાં ઘઉંના ભાવ (Wheat Price) 6 મહિનાની ટોચે પહોંચી ગયા છે. અનાજ ડીલરોના જણાવ્યા અનુસાર, તહેવારોની મોસમ પહેલા ઓછા પુરવઠો અને વધારે માગને કારણે મંગળવારે ભારતીય ઘઉંના ભાવ છ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.

આયાત ડ્યુટી નાબૂદ કરવા જેવા નિર્ણય લઈ શકાય

વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને, સરકાર ટૂંક સમયમાં પુરવઠો વધારવા અને કિંમતોને નિયંત્રિત કરવા માટે નવા અનાજ પરની આયાત ડ્યુટી નાબૂદ કરવા જેવા નિર્ણય લઈ શકે છે. ઘઉંની વધતી કિંમતો ખાદ્ય ફુગાવો વધારી શકે છે અને ફુગાવાને નિયંત્રિત કરવા માટે સરકાર અને કેન્દ્રીય બેંક બંનેની મહેનતને બગાડી શકે છે. રોઇટર્સના અહેવાલમાં, નવી દિલ્હી સ્થિત એક ઉદ્યોગપતિએ જણાવ્યું હતું કે તમામ મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં, ખેડૂતો તરફથી પુરવઠો લગભગ બંધ થઈ ગયો છે.

4 મહિનામાં ભાવમાં 18 ટકાનો વધારો થયો

મંગળવારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં ઘઉંના ભાવ 1.5 ટકા વધીને રૂ. 25,446 ($307.33) પ્રતિ મેટ્રિક ટન પર પહોંચ્યા, જે 10 ફેબ્રુઆરી પછી સૌથી વધુ છે. એટલે કે 1 કિલો ઘઊંનો ભાવ 25.45 રૂપિયા જેટલો થાય છે. છેલ્લા ચાર મહિનામાં કિંમતોમાં લગભગ 18 ટકાનો વધારો થયો છે.

મુંબઈ સ્થિત વેપારીએ જણાવ્યું હતું કે તહેવારોની સિઝનમાં સંભવિત અછતને ટાળવા માટે સરકારે તેના ગોડાઉનમાંથી સ્ટોકને ખુલ્લા બજાર માટે જાહેર કરવો જોઈએ. 1 ઓગસ્ટ સુધીમાં, સરકારી ગોડાઉનમાં ઘઉંનો સ્ટોક 28.3 મિલિયન મેટ્રિક ટન હતો, જે એક વર્ષ અગાઉ 26.6 મિલિયન મેટ્રિક ટન હતો.

ઘઉંના સ્ટોકની મર્યાદામાં ઘટાડો કરવો

ડીલરના મતે ભાવ ઘટાડવા માટે આયાત જરૂરી બની ગઈ છે. સરકાર આયાત વિના પુરવઠો વધારી શકે નહીં. ખાદ્ય મંત્રાલયના સંજીવ ચોપરાએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે ભારત ઘઉં પરના 40 ટકા આયાત કરને ઘટાડવા અથવા દૂર કરવા અને મિલરો અને વેપારીઓ પાસે ઘઉંના સ્ટોકની મર્યાદા ઘટાડવાનું વિચારી રહ્યું છે.

આ પણ વાંચો : જુલાઈમાં વેજ થાળી 28 ટકા મોંઘી થઈ અને નોન વેજ થાળીમાં 13 ટકાનો વધારો થયો, ટામેટા બન્યું સૌથી મોટું કારણ

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઘઉંનું ઉત્પાદન વર્ષ 2023માં વધીને વિક્રમી 112.74 મિલિયન મેટ્રિક ટન થવાનું છે, જે એક વર્ષ અગાઉ 107.7 મિલિયન મેટ્રિક ટન હતું. ભારત વાર્ષિક આશરે 108 મિલિયન મેટ્રિક ટન ઘઉંનો વપરાશ કરે છે. પરંતુ એક અગ્રણી વેપારી સંસ્થાએ જૂનમાં રોઇટર્સને જણાવ્યું હતું કે 2023માં ભારતનો ઘઉંનો પાક કૃષિ મંત્રાલયના અંદાજ કરતાં 10 ટકા ઓછો હતો.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો