MONEY9: ઘઉંની નિકાસ અટકાવવાનો નિર્ણય સરકાર માટે બન્યો માથાનો દુખાવો

|

Jun 10, 2022 | 2:54 PM

ઘઉંની નિકાસ અટકાવીને સરકારે જે નિશાના પર તીર તાક્યું હતું, તે ચૂકી ગઈ હોય તેવું લાગે છે. સરકારને આશા હતી કે, નિકાસ અટકશે એટલે ભાવ MSP કરતાં ઓછો થશે અને ખરીદીનો લક્ષ્યાંક પૂરો થઈ જશે.

MONEY9: ઘઉંની  (WHEAT) નિકાસ (EXPORT) દ્વારા સરકારે જે નિશાના પર તીર તાક્યું હતું, તે નિશાન ચૂકી જવાયું હોય તેવું લાગી રહ્યું છે. સરકારને તો આશા હતી કે, નિકાસ પર પ્રતિબંધ (BAN) મૂકીશું એટલે મંડીમાં જે ઘઉં પડ્યા છે તેના ભાવ MSP કરતાં નીચે જતાં રહેશે અને ખરીદીનો ટાર્ગેટ પાર પડી જશે. પરંતુ ન તો ભાવ MSPથી નીચે ગયા કે ન તો સરકાર લક્ષ્ય પ્રમાણે ખરીદી કરી શકી. ઓછામાં પૂરું ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકીને સરકાર ફસાઈ ગઈ છે કારણ કે, નિકાસ માટે બંદરો પર પહોંચેલો ઘઉંનો મોટો જથ્થો ભેગો થઈ ગયો છે. 

કેન્દ્ર સરકારે 13 મેના રોજ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ જાહેર કર્યો ત્યાં સુધીમાં, સરકારી એજન્સીઓએ ખેડૂતો પાસેથી 179 લાખ ટન ઘઉંની ખરીદી કરી હતી. પ્રતિબંધ મૂક્યો ત્યારે અપેક્ષા હતી કે, ખેડૂતો ઘઉંનું વેચાણ વેપારીઓને કરવાની જગ્યાએ સરકારને કરશે. પરંતુ 31 મે સુધીમાં પણ સરકારી એજન્સીઓ માત્ર 7.5 લાખ ટન ઘઉં ખરીદી શકી છે. આમ પણ, સરકારે તો ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદીનું લક્ષ્ય 440 લાખ ટનથી ઘટાડીને 195 લાખ ટન કરી દીધું હતું, પરંતુ હવે આ લક્ષ્ય પણ પૂરું થાય તેવું લાગતું નથી.  

જોકે, નિકાસ અટકાવવાથી કિંમત ઘટાડવામાં થોડીક મદદ તો ચોક્કસપણે મળી છે. દેશની મુખ્ય મંડી દેવાસમાં 13 મેના રોજ એક ક્વિન્ટલ ઘઉંનો સરેરાશ ભાવ 2,200 રૂપિયા હતો, જે 31 મેના રોજ ઘટીને 2,015 રૂપિયા સુધી પહોંચ્યો હતો. જોકે, આ ભાવ પણ MSPથી ઓછો નથી, કારણ કે ઘઉંનો લઘુતમ ટેકાનો ભાવ એટલે કે MSP પણ 2,015 રૂપિયા જ છે. 

હવે, સમજીએ કે નિકાસ અટકાવવાનો નિર્ણય સરકાર માટે કેવી રીતે માથાનો દુખાવો બન્યો છે. નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી તે દિવસે જ સરકારે સ્પષ્ટ કરી દીધું હતું કે, જે ઘઉંની નિકાસ માટે પહેલાથી કરાર થઈ ગયા હશે તેના પર પ્રતિબંધ લાગુ નહીં થાય. પરંતુ શરત એ રાખી કે, નિકાસકારે નોંધણી કરાવવી પડશે અને નિકાસ માટે કરેલા સોદાના ડોક્યુમેન્ટ અથવા તો લેટર ઑફ ક્રેડિટ બતાવવા પડશે. 

સરકારને અંદાજ હતો કે, કરારબદ્ધ ઘઉંનો જથ્થો 4થી 5 લાખ ટન જ હશે, પરંતુ ટ્રેડિંગ સૂત્રો કહે છે કે, સરકારને અત્યાર સુધીમાં 10 લાખ ટનથી પણ વધારે ઘઉંની નિકાસ માટેના લેટર ઑફ ક્રેડિટ મળ્યાં છે. સરકારને શંકા છે કે, વેપારીઓ નિકાસના સોદાના જૂની તારીખના કાગળ બતાવી રહ્યાં છે અને આ શંકા સાચી છે કે ખોટી તે ચકાસવા માટે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. હવે, સરકારી અધિકારીઓ લેટર ઑફ ક્રેડિટનું ફિઝિકલ વેરિફિકેશન કરશે અને જો ડૉક્યુમેન્ટ ખોટા હશે તો આર્થિક ગુનાનો કેસ કરવામાં આવશે. એટલું જ નહીં, સરકારે નિકાસકારોની નોંધણીની પ્રક્રિયા પણ કડક બનાવી દીધી છે. આમ, સરકાર માટે ઘઉંની નિકાસ પર લગાવેલો પ્રતિબંધ મૂંઝવણનું કારણ બની ગયો છે. 

સરકારે ઘઉંના ઉત્પાદનનો અંદાજ પણ 11.13 કરોડ ટનથી ઘટાડીને 10.64 કરોડ ટન કર્યો છે. પરંતુ સૂત્રોનું કહેવું છે કે, ઉત્પાદન 10 કરોડ ટનથી પણ ઓછું થશે. જો આવું થશે તો, દેશમાં સપ્લાય  ખોરવાઈ જશે અને તે સરકાર માટે માથાનો દુખાવો બની શકે છે.

Next Video