દિવાળીના એક દિવસ પહેલા કેન્દ્રની મોદી સરકારે દેશને મોટી ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે દેશના 130 કરોડ લોકોને મોંઘવારીમાંથી રાહત આપવાનો હેતુથી કરતા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં ડીઝલ પર 10 રૂપિયા અને પેટ્રોલ પર 5 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવા જઈ રહી છે, જેના કારણે ડીઝલની કિંમતમાં 10 રૂપિયા અને પેટ્રોલની કિંમતમાં 5 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થશે. એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા બાદ 4 નવેમ્બરથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તુ થશે.
રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 110.04 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 98.42 રૂપિયા પ્રતિ લિટરની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ ગયું છે. ડીઝલના આસમાનને આંબી રહેલા ભાવોને કારણે સામાન્ય મોંઘવારી પણ સાતમા આસમાને પહોંચી ગઈ છે. જો કે પેટ્રોલની કિંમતમાં 5 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 10 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાથી સામાન્ય માણસને ચોક્કસ રાહત મળશે, પરંતુ પેટ્રોલના ભાવમાં 5 રૂપિયાના ઘટાડા પછી પણ તેની કિંમત 100 રૂપિયાથી ઉપર યથાવત રહેશે.
એક્સાઈઝ ડ્યુટીને એક્સાઈઝ ટેક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક પ્રકારનો પરોક્ષ કર છે જે કોઈપણ વસ્તુના ઉત્પાદન પર લાદવામાં આવે છે. જણાવી દઈએ કે કોઈ વસ્તુનો ઉત્પાદક અથવા મેન્યુફેક્ચરર તેના ઉત્પાદન પર એક્સાઈઝ ડ્યુટી લગાવીને તેના ગ્રાહકો પાસેથી વસૂલ કરે છે. ઉત્પાદક તેના ઉત્પાદન પર લાદવામાં આવતી એક્સાઈઝ ડ્યુટી તે વસ્તુ પર લાદવામાં આવતા બાકીના ટેક્સમાં ઉમેરીને વસુલ કરે છે. જે પછી તે પોતાના ઉત્પાદન પર ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવેલી એક્સાઈઝ ડ્યૂટીની રકમ સરકાર પાસેે જમા કરાવે છે. જેના કારણે સરકારને રોજની કરોડો રૂપિયાની આવક થાય છે.
આઝાદી પહેલા જ 26 જાન્યુઆરી 1944ના રોજ ભારતમાં એક્સાઈઝ ડ્યુટીનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. એક્સાઈઝ ડ્યુટી અથવા એક્સાઈઝ ટેક્સ એ એવો કર છે જે ફક્ત કોઈ ઉત્પાદનના વેચાણ પર જ વસૂલવામાં આવે છે. આ સિવાય વેચાણ માટે બનાવેલી પ્રોડક્ટ પર પણ એક્સાઈઝ ડ્યુટી લાદવામાં આવે છે. એક્સાઈઝ ડ્યુટીને હવે સેન્ટ્રલ વેલ્યુ એડેડ ટેક્સ (CENVAT) પણ કહેવામાં આવે છે. કોઈપણ ઉત્પાદન પર એક્સાઈઝ ડ્યુટી લાદવાનો મુખ્ય ઉદ્દેશ્ય મહત્તમ આવક એકત્રિત કરવાનો છે, જેથી તેનો ઉપયોગ દેશના વિકાસ માટે થઈ શકે.
હાલ પેટ્રોલ અને ડીઝલ પર કેટલો ટેક્સ લાગે છે ?
પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સની વાત કરીએ તો ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર 1 નવેમ્બર 2021ના રોજ દિલ્હીમાં પેટ્રોલનો દર 109.69 રૂપિયા પ્રતિ લિટર છે. જેમાં બેઝ પ્રાઈસ 47.28 રૂપિયા અને એક્સાઈઝ ડ્યુટી 32.90 રૂપિયા છે. વેટ 25.31 રૂપિયા છે.
1 નવેમ્બરે દિલ્હીમાં ડીઝલનો ભાવ 98.42 રૂપિયા હતો. જેમાં બેઝ પ્રાઇસ 49.36 રૂપિયા હતી. એક્સાઇઝ ડ્યુટી 31.80 રૂપિયા હતી, જ્યારે વેટ 14.37 રૂપિયા છે. કેન્દ્રએ પેટ્રોલ પર ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં 5 રૂપિયાનો અને 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જો આગામી દિવસોમાં રાજ્ય સરકારો પણ વેટમાં ઘટાડો કરશે તો ભાવ વધુ ઘટશે.
આ પણ વાંચો: કંપની છોડી રહેલા કર્મચારીઓને રોકવા માટે IT કંપનીએ Diwali 2021 પર કરી બમ્પર બોનસ અને પ્રમોશનની જાહેરાત