
જો કોઈ વ્યક્તિનું બેંક ખાતું હોય અને તેનું મૃત્યુ થઈ જાય, તો તેના ખાતામાં જમા રહેલા પૈસા બેંકના થઈ જતા નથી. ખાતાધારકના મૃત્યુ બાદ આ રકમ નોમિની અથવા કાયદેસર વારસદારને નિયમો મુજબ આપવામાં આવે છે. જોકે, પ્રક્રિયા ખાતાના પ્રકાર અને ખાતામાં નોમિની નોંધાયેલ છે કે નહીં તેના આધારે અલગ હોઈ શકે છે. ત્યારે તેને લઈને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તે પૈસાને લઈને ક્લેમ કેવી રીતે કરવો તેમજ ક્લેમ મંજૂર કેવી રીતે કરાવવો તે અંગે માહિતી આપી છે ચાલો અહીં સમજીએ.
જો ખાતાધારકે બેંક ખાતામાં નોમિનીનું નામ નોંધાવ્યું હોય, તો મૃત્યુ બાદ નોમિની બેંકમાં જરૂરી દસ્તાવેજો સાથે ક્લેમ કરી શકે છે. સામાન્ય રીતે ડેથ સર્ટિફિકેટ, ઓળખ અને અન્ય જરૂરી દસ્તાવેજો રજૂ કરવાની જરૂર પડે છે. બેંકની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાતામાં રહેલી રકમ નોમિનીને ચૂકવવામાં આવે છે.
જો ખાતામાં નોમિની નોંધાયેલ ન હોય, તો ખાતામાં રહેલી રકમ કાયદેસર વારસદારોને મળી શકે છે. આવા કિસ્સામાં બેંક જરૂરી વારસાઈ સંબંધિત દસ્તાવેજો, કોર્ટનો આદેશ અથવા અન્ય કાનૂની દસ્તાવેજોની માંગ કરી શકે છે. જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રકમ કાયદેસર હકદારને આપવામાં આવે છે.
જોઇન્ટ બેંક ખાતામાં મૃત્યુ બાદ પૈસાની પ્રક્રિયા ખાતામાં પસંદ કરેલા ઓપરેશનના પ્રકાર અને બેંકના નિયમો પર આધારિત રહે છે. જો ‘Either or Survivor’ જેવી સુવિધા હોય, તો જીવિત ખાતાધારકને ખાતું ચલાવવાની સુવિધા મળી શકે છે. જોકે, અંતિમ પ્રક્રિયા માટે બેંક દ્વારા જરૂરી દસ્તાવેજો અને ઔપચારિકતાઓ પૂર્ણ કરવી પડે છે.
બેંક ખાતામાં નોમિનીનું નામ નોંધાવવાથી ક્લેમની પ્રક્રિયા સરળ બની શકે છે. તેથી ખાતાધારકોએ પોતાના તમામ બેંક ખાતા, FD અને અન્ય જમા માટે નોમિનીની વિગતો સમયસર અપડેટ રાખવી જોઈએ. નોમિની અને કાયદેસર વારસદારની ભૂમિકા કાનૂની રીતે અલગ હોઈ શકે છે, તેથી મોટા વારસાઈ વિવાદમાં કાનૂની સલાહ લેવી યોગ્ય છે.