
તહેવારોની સિઝન વચ્ચે ડિજિટલ પેમેન્ટ કરનારા કરોડો ગ્રાહકો અને નાના-મોટા વેપારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. યુપીઆઈ (UPI) અને સર્વિસીસ સ્ટીયરીંગ કમિટીએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે, પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર લાગુ થનારા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)ને હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે.
કમિટીના જણાવ્યા મુજબ, આગામી તહેવારો અને બજારમાં ખરીદીના ભારે દબાણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે નવી MDR ફ્રેમવર્ક દિવાળી પછી તરત જ લાગુ કરવામાં આવશે, જેની ચોક્કસ તારીખની જાહેરાત અલગથી કરવામાં આવશે.
તાજેતરમાં પેમેન્ટ રેગ્યુલેટરી ફ્રેમવર્ક હેઠળ 15 ઓક્ટોબર 2026થી ₹2000થી વધુ મૂલ્યના પસંદગીના મર્ચન્ટ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર 0.4% નો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાની યોજના બનાવવામાં આવી હતી.
UPI MDR on Select Merchant Transactions Shall be Implemented Post Diwali
Press Release Link: https://t.co/5KMjOP0tHd https://t.co/pD8IKfN6sR
— NPCI (@NPCI_NPCI) October 13, 2026
ધનતેરસ અને દિવાળી દરમિયાન બજારોમાં થનાર રેકોર્ડ ડિજિટલ ખરીદીને ધ્યાનમાં રાખીને એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે, છેલ્લી ઘડીએ મર્ચન્ટ ચાર્જીસ લાગુ કરવાથી વેપારીઓ અને ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમમાં ભ્રમની સ્થિતિ ઊભી થઈ શકે છે.
આ જ કારણે સ્ટીયરીંગ કમિટીએ તહેવારોની સુગમ કામગીરીને પ્રાથમિકતા આપતા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટને ટાળવાનો નિર્ણય લીધો હતો.
ગયા મહિને જ UPI સ્ટીયરિંગ કમિટીએ ₹2,000 થી વધુના વ્યવહારો પર 0.4% MDR વસૂલવાનો નિર્ણય લીધો હતો. આનો અર્થ એ થયો કે, જો તમે UPI નો ઉપયોગ કરીને વેપારીને ₹2,000 ની ચુકવણી કરો છો, તો તમારે ફી તરીકે 0.4% ચૂકવવી પડશે. ₹10,000 ની ચુકવણી માટે આ ફી વધીને ₹40 થશે.
ડિજિટલ પેમેન્ટની પ્રક્રિયા કરવા માટે વેપારીઓ પાસેથી આ ફી વસૂલવામાં આવે છે. 8 ઓક્ટોબરના રોજ નાણામંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, UPI વ્યવહારો પર MDR નો મુદ્દો હિસ્સેદારો દ્વારા ઉકેલવામાં આવશે. ચાર્જ ક્યારે લાગુ કરવો તે નિર્ણય ચુકવણી ઇકોસિસ્ટમ પર છોડી દેવામાં આવ્યો છે.
Published On - 1:49 pm, Tue, 13 October 26