યુએસ ડૉલર અત્યારે 16 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. ઓક્ટોબર મહિનામાં અમેરિકાનો મોંઘવારી દર છેલ્લા ત્રણ દાયકામાં સૌથી વધુ રહ્યો છે. મોંઘવારી દરમાં આ વધારા બાદ નિષ્ણાતોનું કહેવું છે કે યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં સમય પહેલા વધારો કરી શકે છે. બીજી તરફ જાપાનમાં પણ મોંઘવારી દર ચાર દાયકાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે જેના કારણે તેની કરન્સી યેનનું મૂલ્ય કેટલાક દાયકાઓમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે.
રોઇટર્સના અહેવાલ મુજબ ગેસ અને ખાદ્યપદાર્થોના ભાવ વધારાના કારણે યુએસમાં મોંઘવારી 31 વર્ષની ટોચે પહોંચી ગઈ છે. એવું માનવામાં આવે છે કે 2022માં પણ મોંઘવારી દરમાં વધારો થઈ શકે છે. લેબર માર્કેટની વાત કરીએ તો જરૂરિયાત કરતાં ઓછી મજૂરીને કારણે વેતન વધી રહ્યું છે. અમેરિકામાં બેરોજગારી ભથ્થાનો દાવો કરનારા લોકોની સંખ્યા 20 મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે.
જો ક્રૂડ ઓઈલ મોંઘુ થશે તો મોંઘવારી વધશે
ડૉલરના ઉછાળા અને ઘટાડાની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડે છે. ઇંધણ અને કોમોડિટીનો વેપાર ડોલરમાં થાય છે. ભારત મોટા પાયે તેલ અને કોમોડિટીની ખરીદી કરે છે. ભારત વિશ્વનો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે. ડૉલરના વધારાને કારણે ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો થશે. જો ક્રૂડ ઓઈલ મોંઘુ થશે તો પરિવહન ખર્ચ વધશે અને ભારતમાં મોંઘવારી દર પણ વધશે. આ સિવાય સરકારની ચાલુ ખાતાની ખાધ પણ વધશે.
RBI રેપો રેટ વધારી શકે છે
ગુરુવારે ડોલરમાં રૂપિયાની સામે 18 પૈસાનો ઉછાળો જોવા મળ્યો હતો. રૂપિયો 74.52 ના સ્તર પર બંધ થયો હતો. વિદેશી રોકાણકારોએ શેરબજારમાં મોટાપાયે વેચવાલી કરી હતી. આ કારણે રૂપિયા પર દબાણ વધુ વધ્યું છે જ્યારે ડોલર મજબૂત થાય છે ત્યારે રૂપિયો નબળો પડે છે. જો રૂપિયો નબળો પડશે તો મોંઘવારી વધશે. રિઝર્વ બેંકે મોંઘવારીનો દર 4 ટકાનો લક્ષ્યાંક રાખ્યો છે. તે ન્યૂનતમ 2 ટકા અને મહત્તમ 6 ટકાની રેન્જમાં રહી શકે છે. જો મોંઘવારીનો દર 6 ટકાને વટાવી જાય તો રિઝર્વ બેંક મોનેટરી પોલિસી કમિટીએ વ્યાજ દરમાં વધારો કરવો પડી શકે છે. વ્યાજદરમાં વધારાને કારણે બજારની સાથે-સાથે લેન્ડિંગ વ્યવસાયને પણ માઠી અસર થશે. આ સિવાય આર્થિક ગતિવિધિઓને પણ અસર થશે.
શેરબજારમાં ઘટાડાની શક્યતા
શેરબજારની વાત કરીએ તો જો ડોલર મજબૂત થશે તો વિદેશી રોકાણકારો માટે ભારત મનપસંદ સ્થળ નહીં રહે. ભારતીય વિકાસમાં વિદેશી મૂડીરોકાણનો મોટો ફાળો છે. આવી સ્થિતિમાં જો ડોલર મજબૂત થાય છે તો ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી શકે છે. શેરબજારમાં ગુરુવારે સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદીના સપનાને પૂરૂ કરવા માટે ગૌતમ અદાણીએ બનાવ્યો 5 લાખ કરોડનો મેગા પ્લાન, વાંચો આ અહેવાલ
આ પણ વાંચો : ‘ગ્રીન ઈન્ડિયા’ દેશના જીડીપીમાં બમ્પર ઉછાળો લાવશે અને કરોડો લોકોને રોજગારી મળશે, વૈશ્વિક થિંક ટેન્કનો દાવો