
7th Pay Commission : સરકારે કેન્દ્રીય કર્મચારીઓને 18 મહિનાના ડીએ એટલે કે મોંઘવારી ભથ્થાને લઈને મોટો ઝટકો આપ્યો છે. નાણા મંત્રાલય દ્વારા રાજ્યસભામાં આપવામાં આવેલી માહિતી સાથે જ કર્મચારીઓની તમામ અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યુ છે. કેન્દ્ર સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ત્રણ હપ્તાના પૈસા આપવામાં આવશે નહીં. આવી કોઈ જોગવાઈ નથી. નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે કોરોના કાળમાં 18 મહિના માટે DA ફ્રિઝ કરવામાં આવ્યુ હતું એ આપવામાં આવશે નહીં.
હકીકતમાં, કોવિડ-19 સમયગાળા દરમિયાન DAના ત્રણ હપ્તા (1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020, 1 જાન્યુઆરી 2021) ફ્રિઝ કરવામાં આવ્યા હતા. આ પછી, સરકારે જુલાઈ 2021 માં મોંઘવારી ભથ્થું ફરી શરૂ કર્યું. પરંતુ, છેલ્લા 18 મહિનાથી અટવાયેલા ત્રણ હપ્તાના નાણાંનો કોઈ ઉલ્લેખ નહોતો. સરકારે 1 જુલાઈ 2021થી મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કર્યો છે. આ પછી જુલાઈ 2021થી મોંઘવારી ભથ્થું 17 ટકાથી વધીને 28 ટકા થઈ ગયું. જો કે હાલમાં તે 38 ટકા છે. પરંતુ, કર્મચારીઓને પણ 18 મહિના માટે નાણા જોઈતા હતા જે દરમિયાન મોંઘવારી ભથ્થું ફ્રિઝ કરવામાં આવ્યું હતું.
આ બાબતે કર્મચારી યુનિયનનું કહેવું છે કે મોંઘવારી ભથ્થું (DA) અથવા મોંઘવારી રાહત (DR) કર્મચારીઓ અને પેન્શનરોનો અધિકાર છે. તેને રોકી શકાતું નથી. કર્મચારીઓએ કોરોનાના સમયગાળા દરમિયાન સખત મહેનત કરી હતી. તેમના ડીએમાં વધારો કરવામાં આવ્યો ન હતો, તેમ છતાં તેમણે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. આ સમયગાળા દરમિયાન ઘણા કર્મચારીઓ અને પેન્શનરો પણ મૃત્યુ પામ્યા હતા. સરકારે આ મામલે અન્ય પાસાઓ પર પણ વિચાર કરવો જોઈએ. જો કે સરકારના સ્પષ્ટ ઇનકાર બાદ હવે યુનિયનો આંદોલનની રણનીતિ બનાવી રહ્યા છે.
જે સમયગાળામાં મોંઘવારી ભથ્થું બંધ કરવામાં આવ્યું હતું તે દરમિયાન સરકારે 34,000 કરોડ રૂપિયાની બચત કરી છે. એવો અંદાજ છે કે કેન્દ્ર સરકારના પેન્શનરો માટે DR અને કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) ની કુલ બાકી રકમ લગભગ રૂ. 34,000 કરોડ છે. પેન્શન નિયમોની સમીક્ષા માટે સ્વૈચ્છિક એજન્સીઓ પરની સ્થાયી સમિતિની 32મી બેઠકમાં પણ ખર્ચ વિભાગ (DOI) ના પ્રતિનિધિએ સ્પષ્ટતા કરી હતી કે અગાઉના DA-DR ની બાકી ચૂકવણી કરવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે, DOI કેન્દ્રીય નાણા મંત્રાલયની એક શાખા છે.