
અબજોપતિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની દુનિયામાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે મોટો સોદો કર્યો છે. આ ડીલ અમેરિકન ચિપ ઉત્પાદક NVIDIA સાથે કરવામાં આવી છે. રિલાયન્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ભાગીદારી ભારતની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સેમિકન્ડક્ટર ચિપ મહત્વકાંક્ષાઓને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી છે.
આ પણ વાંચો: દેશમાં સેમીકંડક્ટર પર શરૂ થશે ‘લોકલ વોર’, હવે મેદાનમાં આવશે મુકેશ અંબાણી!
આ ડીલ પર NVIDIAના સીઈઓ અને ફાઉન્ડર જેન્સન હુઆંગે કહ્યું કે ભારતમાં અત્યાધુનિક AI સુપર કોમ્પ્યુટર્સ બનાવવા માટે રિલાયન્સ સાથે ભાગીદારી કરવાનો આનંદ છે. તેમણે કહ્યું કે ભારત પાસે કૌશલ્ય, ડેટા અને પ્રતિભા છે. ત્યારે Reliance Jio Infocomm Limitedના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે Jio અને NVIDIA બંને અપગ્રેડેડ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવશે જે સુરક્ષિત, મજબૂત અને સુસંગત છે. અમે સમગ્ર દેશમાં સંશોધકો, સ્ટાર્ટ-અપ્સ અને સાહસો માટે AIને સુલભ બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ, જેનાથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પાવરહાઉસ બનવા તરફ ભારતની યાત્રાને વેગ મળે છે.
આપને જણાવી દઈએ કે આ જાહેરાતના થોડા દિવસો પહેલા જ Nvidiaના ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) જેન્સન હુઆંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. Nvidia ભારતમાં 2004 માં કામગીરી શરૂ કરી હતી અને ગુરુગ્રામ, હૈદરાબાદ, પુણે અને બેંગલુરુમાં ચાર એન્જિનિયરિંગ વિકાસ કેન્દ્રો ધરાવે છે. આ કેન્દ્રોમાં લગભગ 3,800 કર્મચારીઓ કાર્યરત છે.
તાજેતરમાં મુકેશ અંબાણીએ વાર્ષિક સામાન્ય સભા(AGM)માં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અંગે મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે Jio પ્લેટફોર્મ ભારત-કેન્દ્રિત AI મોડલ્સ અને વિવિધ ક્ષેત્રોમાં સંબંધિત પ્રયાસોનું નેતૃત્વ કરવા માંગે છે. અંબાણીએ કહ્યું કે Jio પ્લેટફોર્મ ‘દરેકને, દરેક જગ્યાએ એઆઈનું’નું વચન આપે છે.
મુકેશ અંબાણીએ કહ્યું, “દેશવાસીઓને મારૂ આ વચન છે. સાત વર્ષ પહેલા જિયોએ દરેકને દરેક જગ્યાએ બ્રોડબેન્ડ કનેક્ટિવિટીનું વચન આપ્યું હતું. અમે આ વચન પૂરું કર્યું છે. આજે Jio દરેકને, દરેક જગ્યાએ AIનું વચન આપે છે અને અમે તેને પુરૂ કરીશું.” આપને જણાવી દઈએ કે ChatGPT બનાવનાર પ્લેટફોર્મ OpenAIના ફાઉન્ડર સેમ ઓલ્ટમેને જૂન મહિનામાં ભારતની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે ભારત માટે ChatGPT જેવું AI મોડલ બનાવવું અશક્ય છે. મુકેશ અંબાણીના પ્રયાસોને આનો જવાબ માનવામાં આવી રહ્યો છે.