વર્ષ 2022 માં અદાણી ગ્રુપના શેરોએ રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. અદાણી ગ્રુપે તેની કંપનીઓના શેરોના રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા છે. જોકે કોરોનાના નવા વેરિઅન્ટની દસ્તકના સમાચાર બાદ શેરબજારમાં ઘટાડાનો દોર જોવા મળી રહ્યો છે. આ વચ્ચે અદાણી ગ્રૂપના શેરોને સખ્ત માર સહન કરવો પડી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શુક્રવારે અદાણી કંપનીઓના શેરમાં 5 થી 10 ટકાનો ઘટાડો થયો છે. અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 5.65 ટકા તૂટ્યો હતો.
અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની સહીત સાતેય કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર 5.85 ટકાના ઘટાડા સાથે રૂ.3642 પર બંધ થયો હતો. અદાણી ટોટલ ગેસનો શેર 8.98 ટકા ઘટીને રૂ.3232 પર બંધ થયો છે. અદાણી પાવરનો શેર 5 ટકા ઘટીને રૂ. 262.20 બંધ રહ્યો હતો. અદાણી ગ્રીન એનર્જીનો શેર 8.67 ટકા ઘટીને રૂ. 1809, અદાણી ટ્રાન્સમિશનનો શેર 9.84 ટકા ઘટીને રૂ. 2270 અને અદાણી પોર્ટ્સનો શેર 7.33 ટકાના ઘટાડા સાથે રૂ. 794 પર બંધ થયો હતો.
વર્ષ 2022માં રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન આપનાર અદાણી વિલ્મરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. અદાણી વિસ્મારનો શેર લગભગ 10 ટકાના ઘટાડા સાથે રૂ. 500 થી રૂ. 499 ની નીચે ગયો છે. ફેબ્રુઆરી 2022માં જ કંપનીનો IPO 230 રૂપિયા પ્રતિ શેર આવ્યો હતો. જે બાદ સ્ટોક રૂ.870 સુધી ગયો હતો. ત્યાંથી સ્ટોક ઘટીને રૂ.500 થયો છે. એટલે કે આ સ્ટોક તેની ઊંચી સપાટીથી 43 ટકા નીચે આવ્યો છે.
એક વર્ષ પહેલા અદાણી જૂથનું માર્કેટ કેપ રૂ. 9.6 લાખ કરોડ હતું જે વધીને રૂ. 19 લાખ કરોડની નજીક પહોંચી ગયું છે. સંપત્તિ ઉમેરવાના સંદર્ભમાં વર્ષ 2022 અદાણી જૂથના આ અદભૂત ઉદય માટે યાદ કરવામાં આવે છે. પરંતુ વર્ષની શરૂઆતથી અત્યાર સુધી અદાણી ગ્રૂપના શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી અને હવે તેના પર બ્રેક લાગી રહી છે.
શુક્રવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ લાલ નિશાનમાં બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો અંતે તે 981 પોઈન્ટના ઘટાડા સાથે 59845ના સ્તરે બંધ રહ્યો હતો. 28 ઓક્ટોબર પછી પહેલીવાર સેન્સેક્સે 60 હજારની સપાટી તોડી છે. નિફ્ટી 320 પોઈન્ટ ઘટીને 17806 પર બંધ થયો છે. બેન્ક નિફ્ટી 740 પોઈન્ટના ઘટાડા સાથે 41668 ના સ્તર પર બંધ થયો છે. મિડકેપ ઈન્ડેક્સ 3.76 ટકા એટલે કે 1179 પોઈન્ટ ઘટીને 30157 પર બંધ થયો હતો.