Mumbai: ભારતીય શેરબજાર (Share Market) માટે સોમવારનો દિવસ સારો રહ્યો. આજે ટ્રેડિંગ કલાકમાં સેન્સેક્સ ફરી એકવાર 63,000ના આંકને પાર કરી ગયો. આ સાથે ભારતીય સ્ટોક એક્સચેન્જ વિશ્વના ઘણા મોટા ઈક્વિટી બજારોને પાછળ છોડીને ટોપ-5ની યાદીમાં સામેલ થઈ ગયું છે. ભારતનું માર્કેટ કેપિટલાઈઝેશન હવે 3.31 ટ્રિલિયન ડોલર (એટલે કે 3.31 લાખ કરોડ ડોલર)ના સ્તરે પહોંચી ગયું છે. આ સાથે તે ફ્રાન્સ જેવા દેશને પાછળ છોડીને હવે વિશ્વના ટોપ-5 શેરબજારમાં સામેલ થઈ ગયુ છે.
જો આપણે શેરબજારમાં વધારાની વાત કરીએ તો આ વર્ષની શરૂઆતથી ભારતીય સ્ટોક એક્સચેન્જના કુલ માર્કેટ કેપમાં $330 બિલિયનનો વધારો થયો છે. એટલે કે માત્ર 5 મહિનામાં ભારતીય શેરબજારોનું વેલ્યુએશન 27,26,180 કરોડ રૂપિયા વધી ગયું છે. અત્યારે 1 ડૉલરની કિંમત 82.6 રૂપિયા છે.
આ પણ વાંચો: RBI Repo Rate : મોંઘવારી ઘટી ! રિઝર્વ બેંક વ્યાજદરમાં કરી શકે છે ઘટાડો
ભારતીય સ્ટોક એક્સચેન્જના માર્કેટ વેલ્યુએશનના સંદર્ભમાં માત્ર 4 દેશો જ આગળ છે. આમાં અમેરિકા 44.54 ટ્રિલિયન ડોલરની સાથે નંબર વન પર છે. આ પછી ચીન $10.26 ટ્રિલિયન માર્કેટ કેપ સાથે બીજા સ્થાને, જાપાન $5.68 ટ્રિલિયન માર્કેટ કેપ સાથે ત્રીજા અને હોંગકોંગ $5.14 ટ્રિલિયન માર્કેટ કેપ સાથે ચોથા સ્થાને છે. ફ્રેન્ચ શેરબજારનું મૂડીકરણ $3.24 ટ્રિલિયન છે.
સોમવારની જ બજારની સ્થિતિ પર નજર કરીએ તો સેન્સેક્સ 344.69 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો. તે સવારે 62,801.54 પોઈન્ટ પર ખુલ્યો હતો અને સાંજે 62,846.38 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે દિવસના ટ્રેડિંગ દરમિયાન તે 63,026 પોઈન્ટના સ્તરે પહોંચી ગયો હતો.
એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 18,619.15 પોઈન્ટ પર ખુલ્યો હતો અને 99.30 પોઈન્ટના વધારા સાથે 18,598.65 પોઈન્ટ પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 18,641.20 પોઈન્ટની ટોચે પણ પહોંચ્યો હતો.
ભારતના શેરબજારનું વધતું કદ એ અહીં થઈ રહેલી પ્રગતિનું પ્રતીક છે. આ સાથે ભારત હાલમાં વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. IMF અનુસાર દેશનો આર્થિક વિકાસ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 5.9 ટકા રહેવાનો છે. આ રીતે ભારતની તરફેણમાં રહેલા તમામ પરિબળો દર્શાવે છે કે ભારત ટૂંક સમયમાં $5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બની જશે.