ફિલ્મ, સંગીત અને રિટેઇલ સેક્ટરની કંપની સારેગામા ઈન્ડિયા(Saregama India)એ તેના ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસને અલગ કરવાની જાહેરાત કરી છે. કંપનીના બોર્ડે આ ડી-મર્જરને મંજૂરી આપી દીધી છે. આ સમાચાર બાદ ગુરુવારે શેરબજાર(Share Market)માં સારેગામા ઈન્ડિયાના શેરમાં રૂ. 230નો વધારો નોંધાયો હતો. આ તેજીને કારણે તેના શેરમાં બીએસઈ ઈન્ડેક્સમાં અપર સર્કિટ(Upper Circuit) લાગી હતી. ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસના ડી-મર્જરના સમાચારથી સારેગામા ઈન્ડિયાના શેરની ખરીદીમાં અચાનક વધારો થયો હતો. તે 5 ટકા ઉછળીને રૂ. 4828.45 પર પહોંચ્યો હતો. બુધવારની સરખામણીએ તેની કિંમત રૂ. 229.90 વધી હતી.બુધવારે તે રૂ. 4,598.55 પર બંધ થયો હતો. ગુરુવારે સવારે બજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર સારેગામા ઈન્ડિયાનો શેર રૂ. 201.45ના વધારા સાથે ખુલ્યો અને અને થોડા સમય બાદ તેમાં 4,827.25 પર અપર સર્કિટ લાગી હતી.
બ્રોકરેજ અને રિસર્ચ ફર્મ ICICI સિક્યોરિટીઝનું કહેવું છે કે માત્ર ડિજિટલ ડિસ્ટ્રિબ્યુશન ડિમર્જ કરવામાં આવ્યું છે. કારવાંનો બિઝનેસ હજુ પણ સારેગામા ઈન્ડિયા સાથે રહેશે. આનો અર્થ એ થયો કે ડિસ્ટ્રીબ્યુશન કંપની પાસે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર કારવાંને વેચવાનો બિન-વિશિષ્ટ અધિકાર હશે. ICICI સિક્યોરિટીઝ અનુસાર, સારેગામા ઇન્ડિયાએ છેલ્લા પાંચ વર્ષમાં રોકાણકારોને 18.7 ગણું વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને આ સ્ટોકમાંથી 202 ટકાથી વધુ વળતર મળ્યું છે. આથી ICICI સિક્યોરિટીઝે આ મલ્ટિબેગર સ્ટોકને હોલ્ડ રેટિંગ આપ્યું છે. આનો અર્થ એ છે કે રોકાણકારોએ તેને હમણાં માટે રાખવું જોઈએ. નવા રોકાણકારો આ શેર ખરીદી શકે છે. તે હજુ આગળ વધવાની શક્યતા છે. સ્થાનિક બ્રોકરેજ ફર્મે તેના સ્ટોક માટે રૂ. 4,890નો ભાવ લક્ષ્યાંક આપ્યો છે એટલે કે તે આ સ્તર સુધી જઈ શકે છે.
ડી-મર્જર હેઠળ, સારેગમ ઈન્ડિયાના હાલના શેરધારકોને ડિસ્ટ્રિબ્યુશન કંપની ડિજીડ્રાઈવ ડિસ્ટ્રીબ્યુટર્સ લિમિટેડના દરેક એક શેર માટે બે શેર મળશે. ડિજીડ્રાઈવ ડિસ્ટ્રીબ્યુટર્સ લિમિટેડ હવે સારેગામા ઈન્ડિયાની ડિસ્ટ્રિબ્યુશન કંપની હશે. ડી-મર્જરનો આ નિર્ણય ડિજિટલ પ્લેટફોર્મ પર કારવાં સહિત તમામ ઉત્પાદનોના વેચાણ પર લાગુ થશે. સારેગામા ઈન્ડિયાનું કહેવું છે કે ઓનલાઈન માર્કેટપ્લેસમાં ઘણી સંભાવનાઓ છે.