Share Market : આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે શેરબજારમાં ફ્લેટ શરૂઆત થતી નજરે પડી હતી. ગઈકાલના બંધ સ્તરથી સેન્સેક્સ(Sensex) 19 અને નિફટી (Nifty)10 પોઇન્ટના નજીવા વધારા સાથે ખુલ્યા હતા. સોમવારે બજાર સારી તેજી સાથે ખુલ્યું હતું પરંતુ કારોબારના અંતે સેન્સેક્સ 37.78 પોઈન્ટ્સ અથવા 0.07% ઘટીને 54,288.61 પર અને નિફ્ટી 51.45 પોઈન્ટ્સ અથવા 0.32% ઘટીને 16,214.70 પર બંધ થયો હતો. આજે બજાર લીલા નિશાન હેઠળ ખુલ્યું હતું પરંતુ ગણતરીની પળોમાં તે લાલ નિશાન નીચે પણ જોવા મળ્યું હતું અને ફરી 100 અંક ઉપર ઉછળ્યું હતું. સેન્સેક્સ 54,307.56 ઉપર ખુલ્યો હતો અને 54,411.31 સુધી ઉપલા સ્તરે પહોંચ્યો હતો. નિફટી પણ 16,252.75 સુધી ઉપલી સપાટીએ જોવા મળ્યો હતો.
આજે વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો છે. સોમવારના ટ્રેડિંગ સેશન દરમિયાન અમેરિકી શેરબજારોમાં જોરદાર રિકવરી જોવા મળી હતી. જો કે યુએસ માર્કેટની શરૂઆત સારી રહી હતી પરંતુ બજાર બાદમાં લપસી ગયું હતું અને ફરી મજબૂત રિકવરી પણ જોવા મળી હતી. ડાઉ જોન્સ નીચલા સ્તરેથી રિકવર થયા બાદ 600 પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. આ ઉપરાંત નાસ્ડેક પણ દિવસની ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. બેન્ક શેર્સ અને ટેક્નોલોજીમાં પણ ખરીદી જોવા મળી હતી. બીજી તરફ મજબૂત વૃદ્ધિ માર્ગદર્શન પર જેપી મોર્ગનના શેરમાં 6%નો ઉછાળો આવ્યો હતો. યુરોપના બજારો પણ લીલા નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા હતા. યુરોપિયન માર્કેટમાં 1.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. એશિયન માર્કેટની વાત કરીએ તો અહીં પણ ખરીદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. SGX નિફ્ટીમાં આજે ઓપનિંગ સમયે 50 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે.
સ્પેશિયલીટી કેમિકલ મેન્યુફેક્ચરર એથર ઇન્ડસ્ટ્રીઝ(Aether Industries IPO)ની પ્રારંભિક જાહેર ઓફર (Initial public offering – IPO) આજે મંગળવાર 24 મે 2022 ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલી છે. પબ્લિક ઈશ્યુ ત્રણ દિવસ માટે સબ્સ્ક્રિપશન માટે ખુલ્લો રહેશે. ઈશ્યુ 26 મેના રોજ બંધ થશે. IPOની પ્રાઇસ બેન્ડ 610-642 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. કંપની IPO દ્વારા રૂ. 808.04 કરોડ એકત્ર કરે તેવી અપેક્ષા છે. ઇશ્યૂનો 50% ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) માટે આરક્ષિત છે. રિટેલ રોકાણકારો અને બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અનુક્રમે 35 ટકા અને 15 ટકા અનામત છે. ગુજરાતની કેમિકલ કંપની અદ્યતન ઇન્ટરમિડિયેટ્સ અને સ્પેશિયલીટી કેમિકલસનું ઉત્પાદન કરે છે.
IPO વિશે વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો
સેન્સેક્સ અને નિફ્ટીએ સોમવારે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસની સારી શરૂઆત કરી હતી પરંતુ બાદમાં ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ દિવસની ટોચેથી 643 પોઈન્ટ્સ તૂટ્યો હતો. ઇન્ડેક્સ 37.78 પોઈન્ટ્સ અથવા 0.07% ઘટીને 54,288.61 પર અને નિફ્ટી 51.45 પોઈન્ટ્સ અથવા 0.32% ઘટીને 16,214.70 પર બંધ થયો હતો. કારોબાર દરમ્યાન લગભગ 1,390 શેર વધ્યા, 1,932 શેર ઘટ્યા અને 158 શેર યથાવત રહ્યા હતા. M&M, મારુતિ સુઝુકી, HUL, એશિયન પેઈન્ટ્સ અને લાર્સન એન્ડ ટુબ્રો નિફ્ટીમાં ટોપ ગેઈનર હતા જ્યારે ખોટમાં JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, ડિવિસ લેબ્સ, ઓએનજીસી અને ઓએનજીસી ઈન્ડેક્સ રહ્યા હતા. ઓટો, કેપિટલ ગુડ્સ અને આઈટી ઈન્ડેક્સ 0.51% વધીને બંધ થયા હતા જ્યારે મેટલ ઈન્ડેક્સ 8% અને રિયલ્ટી, ફાર્મા અને ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 1% ઘટ્યા હતા. BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા હતા.