Share Market : ભારતીય શેરબજાર(Share Market)માં આજે શરૂઆતી કારોબાર તેજી સાથે આગળ વધતો નજરે પડી રહ્યો છે. બન્ને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર કારોબાર કરતા નજરે પડી રહ્યા છે. સોમવારે સેન્સેક્સ(Sensex) 326 પોઈન્ટ વધીને 53234ના સ્તરે અને નિફ્ટી(Nifty) 84 પોઈન્ટના ઉછાળા સાથે 15835ના સ્તરે બંધ થયો હતો. આજે સેન્સેક્સે કારોબારની શરૂઆત(Sensex Today) 53,501.21 ઉપર કરી હતી અને સવારે 9.48 વાગે તેની ઉપલી સપાટી 53,660 હતી. નિફટીએ 15,963 ઉપર ટ્રેડિંગનો પ્રારંભ કર્યો હતો. નિફટી ઉપલા સ્તરે 15,835.35 સુધી નજરે પડ્યો હતો.
વૈશ્વિક બજારોમાંથી સારા સંકેત મળી રહ્યા છે. સોમવારે અમેરિકી બજારો બંધ રહ્યા હતા પરંતુ એશિયાના બજારોમાં ઘણું સારું પ્રદર્શન જોવા મળ્યું હતું. ડાઉ ફ્યુચર્સમાં 100 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. યુએસ બોન્ડ યીલ્ડ નજીવા વધારા સાથે 3 ટકાની નજીક પહોંચી ગઈ છે. દક્ષિણ કોરિયામાં ફુગાવો 6 ટકાની નજીક ગયો છે જે 24 વર્ષમાં સૌથી વધુ છે. સોમવારના ટ્રેડિંગ સેશનમાં યુરોપિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. યુકેમાં લગભગ 1 ટકા અને ફ્રાન્સમાં અડધા ટકાનો વધારો થયો હતો. બીજી તરફ જર્મન બજારોમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. ઓઇલ અને ગેસ શેરોમાં તેજીથી ટેકો મળ્યો હતો. SGX નિફ્ટીની વાત કરીએ તો અહીં પણ તેજી જોવા મળી છે અને આ ઇન્ડેક્સ 35 પોઇન્ટના વધારા સાથે લીલા નિશાનમાં ટ્રેડ કરી રહ્યો છે.
સપ્તાહના પ્રથમ દિવસે શેર બજાર તેજી સાથે બંધ થયું હતું. ત્રણ દિવસના ઘટાડા પર બ્રેક લાગી હતી. સોમવારે સેન્સેક્સ 326 પોઈન્ટ વધીને 53234ના સ્તરે અને નિફ્ટી 84 પોઈન્ટના ઉછાળા સાથે 15835ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી બેંકમાં 401 પોઈન્ટ (1.21 ટકા)ની રિકવરી નોંધાઈ હતી. સેન્સેક્સના ટોપ-30માં 18 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા અને 12 શેર ઘટ્યા હતા. હિન્દુસ્તાન યુનિલિવર, ઈન્ડસઈન્ડ બેંક, આઈટીસી અને આઈસીઆઈસીઆઈ બેંક ટોપ ગેનર હતા. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, ટાટા સ્ટીલ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર સૌથી વધુ ઘટાડા સાથે બંધ થયા હતા.સોમવારે ડોલર સામે રૂપિયો વધ્યો અને તે 10 પૈસાની મજબૂતાઈ સાથે 78.95 પર બંધ રહ્યો હતો. શુક્રવારે તે 79.05 ના સ્તર પર બંધ થયો હતો.
Published On - 9:48 am, Tue, 5 July 22